શુક્રવારથી સ્વૈચ્છિક લોકડાઉનમાં સૌ કોઇને જોડાવા અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી : સ્વયંશિસ્તથી જ કોરોના મહામારીને પરાસ્ત કરી શકાશે, બજારોમાં ભીડ ઘટતા કોરોના ઉપર નિયંત્રણ લાવી શકાશે
કોરોના સામેની લડાઇમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલા પ્રયાસોમાં વેપારીઓ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ સ્વયંભૂ બંધ રાખવાના નિર્ણયની કલેક્ટરશ્રી વિજય ખરાડીએ સરાહના કરી છે અને આશાવાદ વ્યક્ત કર્યો છે કે, નગરપાલિકાની અપીલને પગલે સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર, એમ ત્રણ દિવસ વેપારી પ્રવૃત્તિ બંધ રહેવાના કારણે બજારોમાં ભીડ ઓછી થતાં કોરોના વાયરસના સંક્રમણની રફતાર ઘટશે.
કલેક્ટરશ્રી ખરાડીએ જણાવ્યું કે, દાહોદ નગર ઉપરાંત જિલ્લામાં તમામ મોટા ગામો અને નગરોમાં વેપારીઓ કોરોના સામેની લડાઇમાં સ્વયંભૂ જોડાઇ રહ્યા છે. વેપારીઓનું આ કદમ આવકારદાયક છે. બજારોમાં ત્રણ દિવસ ભીડ બંધ રહેતા કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવાની પૂર્ણ શક્યતા છે.
તેમણે એમ પણ કહ્યું કે, સૌએ એ વાત સમજી લેવાની જરૂર છે કે કોરોના સામેની લડાઇ નાગરિકોના સહયોગ વિના જીતી શકાય એમ નથી. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાના આધારે દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ કોરોના વાયરસના રોકવા માટે અનેક ઉપચારાત્મક પગલાં લીધા છે.
હજુ પણ કેટલાક ગામોની બજારોમાં અનિયંત્રિત પ્રકારની ભીડ જોવા મળે છે. આવી બજારોમાં કામ કરતા વેપારીઓને અપીલ છે કે, તેઓ પણ કોરોના સામેની લડાઇ જોડાવા માટે સામેથી આગળ આવે. નિર્ણય લેવાનો આ સમય છે.
બાકીના દિવસોમાં પણ વેપારીઓ પોતાની દૂકાનો ઉપર સાવચેતીના કદમ લે એ જરૂરી છે. ગ્રાહકોમાં સામાજિક અંતરનું પાલન થાય, માસ્ક પહેરવાનું ફરજિયાત છે. આ ઉપરાંત વેપારીઓ પણ સમયાંતરે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે તે હિતાવહ છે.