દાહોદની વિકસતી જાતિ હોસ્ટેલમાં ૧૦૦ પથારીની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત : દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા કલેક્ટર શ્રી વિજય ખરાડીના હસ્તે કરાયું ઉદ્દઘાટન
દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે અહીના ઝાલોદ રોડ સ્થિત કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી વિકસતી જાતિ હોસ્ટેલમાં ૧૦૦ પથારીની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. હતું.
હાલમાં દાહોદમાં એન્જીનિયરિંગ તથા પોલીટેકનિક કોલેજ બાદ આ ત્રીજુ કોવિડ કેર સેન્ટર છે. કોરોના વાયરસના હળવા લક્ષણો ધરાવતા અથવા તો કોઇ લક્ષણો ના હોય તેવા દર્દીઓને માટે આ સેન્ટર કાર્યરત છે. અહીં આઇસોલેશનમાં રહી શકાય એવી સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત પૌષ્ટિક આહાર, તબીબોની નિરીક્ષણ હેઠળ દર્દીઓને રાખવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે ગ્રામ્ય કક્ષાએ પણ કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના સાતો વધુ ગામોની શાળાઓમાં વિલેજ કોવિડ કેર સેન્ટર ખોલવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આ રીતે ૧૪ હજાર આઇસોલેશન બેડ ઉભા થાય એવી ધારણા છે.
ગ્રામ્ય કક્ષાએ આ માટે સરપંચ, તલાટી મંત્રી, શિક્ષકો, આરોગ્ય કર્મીનો સમાવેશ કરી સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિ વિલેજ કોવીડ કેર સેન્ટરની દેખરેખ રાખશે. ગામ્ય કક્ષાએ દર્દીઓને પોતાના ઘરે આઇસોલેશનમાં રહી ના શકે એમ હોય તેવા દર્દીઓને અહીં રાખવામાં આવશે.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ,આરોગ્ય અધિકારી શ્રી સી. આર. પટેલ,કાર્યપાલક ઇજનેર શ્રી વિજય ભાભોર,જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, અગ્રણી શ્રી વિનોદ રાજગોર,ડો અજયકુમાર,આરોગ્યની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.