કોરોનાની બીજી લહેરમાં જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા : મારૂ ગામ કોરોનામુક્ત બને તે માટે ગામડાઓમાં વેક્સિનેશન અભિયાન સઘન કરવા કર્યું સૂચન

દાહોદ તા.૩
દાહોદના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની બીજી લહેરમાં જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન અભિયાન ચલાવવા જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ના આહ્વાનને બરાબર ઝિલી લઇ ગ્રામ્યસ્તરે નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ખૂબ તીવ્ર હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને ખૂબ સારી રીતે સાચવવામાં આવી હતી. જિલ્લાના ડોક્ટરો-નર્સો સહિતના સ્ટાફની કામગીરીને પણ બિરદાવવી જોઇએ. જિલ્લામાં કોવીડની પરિસ્થિતિ મુજબ આગોતરૂં આયોજન કરી લોજીસ્ટીક રાખવી જોઇએ.
મંત્રી શ્રી વસાવાને કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લામાં નવા ભરતી કરવામાં આવેલા ડોક્ટર-સ્ટાર્ફ નર્સ સહિતની સ્ટાફ વિશે માહિતી આપી હતી. મંત્રીશ્રીએ જે કોવીડ દર્દીઓ આઇસીયુ પર હોય તેમની ખાસ અંગત કાળજી સ્ટાફ દ્વારા લેવાય એ માટે જણાવ્યું હતું. ડેડીકેટેડ કોવીડ હોસ્પીટલો ખાતે સ્વચ્છતા સહિતની તમામ બાબતો માટે સ્ટાફની જરૂર જણાય તો ભરતી કરવા તેમણે જણાવ્યું હતું અને જિલ્લાના કોવીડ હોસ્પીટલોની સ્ટાફ સ્ટેન્થ વિશે માહિતી મેળવી હતી.
તેમણે ગ્રામ્ય સ્તરે કોરોના બાબતે ખાસ જાગૃતિ અભિયાન ચલાવવા જણાવ્યું હતું. દરેક ગામ કોરોનામુક્ત ગામ બને એ માટે એક્શન પ્લાન તૈયાર કરી સરપંચ સહિત ૧૦ લોકોની કમિટિ બનાવવી તેમજ રોજેરોજ બેઠક કરી ગામમાં કોઇને કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ-નિદાન-સારવાર સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ગામડાઓમાં લોકોમાં સંક્રમણ ન ફેલાય એ માટેના તમામ પગલા લેવા તેમજ ગામોમાં ધન્વંતરિ રથને વધુ એક્ટિવ કરવા જણાવ્યું હતું. ગ્રામ્ય સ્તરે કોરોનાને રોકવા ખાસ અભિયાન આદરવું જોઇએ.
ગામોમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ વેગવંતો બનાવવા તેમણે જણાવ્યું હતું. ગામડાઓમાં લોકોની વેક્સિન બાબતની ગેરમાન્યતાઓ દૂર કરવા વ્યાપક પ્રચાર કરવો અને કોરોનાના લક્ષણ જણાય તો બીજા ઉપાયો કરવાને સ્થાને સરકારી દવાખાને વેળાસર સારવાર લે તે માટેનું આયોજન કરવા જણાવ્યું હતું. જિલ્લામાં કોરોના અંગેના જાહેરનામા-નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ સખત પગલા લેવા જણાવ્યું હતું. કોરોનાની વિકટ સ્થિતિમાં ગરીબ લોકો સુધી અનાજનો પુરવઠો સમયસર પહોંચે તે માટે તેમણે સૂચન કર્યું હતું. કોરોના સામેની સ્થિતિને પહોંચી વળવા માટે ટ્રાયબલમાંથી ૧ કરોડ રૂ. સુધીની રકમ માટેની છૂટ આપવાની તેમણે આ પ્રસંગે જાહેરાત કરી હતી.
કલેક્ટર શ્રી ખરાડીએ બેઠકમાં મંત્રી શ્રી વસાવાને માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં ૩૨૬ બેડની સંખ્યા વધારીને ૧૩૨૦ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૫૫ ધન્વંતરિ રથમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ૩૪ અને શહેરી વિસ્તારમાં ૨૧ કાર્યરત છે. વેક્સિનેશનની સ્થિતિ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, કુલ ૩,૦૩,૫૨૮ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ૯૨,૧૭૩ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
બેઠકમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
આ વેળાએ પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઇસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા તેમજ ઝાયડસ હોસ્પીટલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.