હાઈકોર્ટે રૂપાણી સરકારને પૂછ્યુ, સ્વીકારો છો કે તમે નિષ્ફળ ગયા છો?
(જી.એન.એસ)અમદાવાદ,તા.૪
ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રેમડેસિવિર ઈન્જેક્શન, ઓક્સિજનની અછત મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે એએમસી ને ટકોર કરીને કહ્યું કે, અન્ય કોર્પોરેશન દ્વારા રિયલ ટાઈમ હોસ્પિટલ બેડનો ડેટા આપવામાં આવે છે. તો શા માટે એએમસી નથી આપતી, એએમસી શું છુપાવવાનો પ્રયાસ છે?
હાઈકોર્ટે ગુજરાત સરકારને ખખડાવતા કહ્યું કે, ૨૧ યુનિવર્સિટીમાં ટેસ્ટિંગની પ્રક્રિયા શરુ કરવાની હતું, તેઓએ હજી સુધી રાજ્ય સરકારની વાત માની કેમ નથી. ત્યારે તેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકારને જવાબ આપ્યો કે, અમે તેઓને એપેડેમિક એક્ટ હેઠલ લઈશું. અમે તેઓને રિકવેસ્ટ કરી રહ્યા છીએ. ત્યારે હાઈકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, રિકવેસ્ટ શા માટે કરો છો, આદેશ કરો અને તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલા ભરો.
તો હાઈકોર્ટે સાથે જ કહ્યું કે, તમે સ્વીકારો છો કે રાજ્ય સરકાર કોરોનાની સ્થતિ સાંભળવામાં નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન કામ કેમ નથી કરતું. કેમ બાળકો જેવું વર્તન કરો છો. ૧૦૮ માટે ૪૮ કલાક રાહ જાેવી પડે છે. શું પોલિસીમાં ખામી છે ત્યારે કોર્પોરેશન તરફી વકીલ મિહિર જાેશીએ જવાબ આપ્યો કે, પોલિસીમાં ખામી નથી, એમ્બ્યુલન્સ વધારવાની જરૂર છે.
હાઈકોર્ટે રેમડેસિવિર વિશે કહ્યું કે, રેમડેસિવિર ઈન્જેક્શન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તેની વાત કરો. અમદાવાદ જિલ્લામાં ૪૫% રેમડેસિવિર ઈન્જેક્શન પહોંચાડવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર અમને વધુ વાઇલ આપે તેવી અમારી રિકવેસ્ટ છે. તેવુ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યુ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, આવનારી હિયરિંગમાં છેલ્લા ૧૫ દિવસમાં અને એક મહિનામાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીનો ચાર્ટ એફીડેવિટ સ્વરૂપે આપો.
હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, ગુજરાત સરકાર શા માટે પોતાના ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ ઉભા નથી કરતી. ઓક્સિજનની અછત વિશે કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે, ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે લોકલ ઉત્પાદકોની મદદ લેવામાં આવશે. ૨૦ જેટલા પ્લાન્ટ છે જેમને પરવાનગી આપી છે કે તેઓ નાઇટ્રોજનમાંથી ઓક્સિજન બનાવી શકે, રાજ્યમાં ૩૨ નવા ઓક્સિજનના પ્લાન્ટ બનાવવાની પ્રોસેસ શરુ થઇ થઇ ગઈ છે. પરંતુ રો મટીરિયલ માટે જે વેદેશી કંપનીઓ સાથે ટાઈઅપ કર્યું છે તેમાં સમય લાગે તેમ છે. ફ્રાન્સ, જર્મની, ચાઈના દેશની કંપનીઓ રો-મટીરીયલ પ્રોડક્શન કરે છે. બે થી ત્રણ મહિનામાં એક પ્લાન્ટ શરુ થઇ જાય
છે.
હાઇકોર્ટે વેક્સીનને લઈને ગુજરાત સરકારને સવાલ કર્યો કે, સરકાર પાસે હાલમાં પૂરતી માત્રા વેક્સીન છે કે નહીં? ત્યારે કમલ ત્રિવેદીએ તેનો જવાબ આપતા કહ્યુ કે, હાલમાં નથી પણ અમને જથ્થો મળી જશે.