દાહોદ તાલુકાના જાલત ગામેથી એલસીબી પોલીસે બે ટ્રકોમાંથી રૂપિયા ૮૯,૪૪,૮૦૦ના પ્રોહિબિશનના જથ્થા સાથે એક જણાની અટક કરી
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના જાલત ગામેથી પોલીસે આજે બે ટ્રકમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે. બે ટ્રકોમાંથી કુલ રૂા.૮૯,૪૪,૮૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની પોલીસે અટક કરી છે જ્યારે બે ટ્રકોની કિંમત મળી કુલ રૂા.૧,૦૯,૪૪,૮૦૦ ( એક કરોડ નવ લાખ ચુમ્માલીસ હજાર આઠસો) નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે છે.
દાહોદ જિલ્લામાં હાલ કોરોના મહામારીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે પણ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બન્યાં છે. આજરોજ દાહોદ એલ.સી.બી. પોલિસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના જાલત ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમીમાં અવંતિકા હોટલના કંમ્પાઉન્ડમાં બે ટ્રકો ઉભી હતી. પોલીસે આ ટ્રકની પાસે જઈ તપાસ કરતાં અંદર એક ઈસમ ઉંઘી રહ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી બંન્ને ટ્રકોની તલાસી હાથ ધરતાં પોલીસ એકક્ષણે ચોંકી ઉઠી હતી. બંન્ને ટ્રકોમાં લદોલત વિદેશી દારૂથી ભરેલ હતી. બંન્ને ટ્રકોમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.૭૧૦ જેમાં કુલ બોટલો નંગ.૮૫૨૦ કિંમત રૂા.૮૯,૪૪,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે બંન્ને ટ્રકોની કિંમત મળી કુલ રૂા.૧,૦૯,૪૪,૮૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સરદારપુર તાલુકાના શિવાજી માર્ગ ખાતે રહેતો ઈમરાન અખ્તર ખાનની અટકાયત કરી હતી. ગાડીના ડ્રાઈવર સહિત ક્લીનરની પણ પોલીસ શોધખોળ આદરી છે. આ ઘટનાની જાણ વાયુવેગે શહેર સહિત જિલ્લામાં પ્રસરતાં આજની આ ઘટના ટોક ઓફ ધી ટાઉન રહેવા પામી હતી.