જનપ્રતિનિધિઓ કોરોના રસીકરણની જાગૃતના સંવાહક બને તેવી સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અપીલ

દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે સંજલી તથા ફતેપુરાની સ્થાનિક સ્વરાજ સંસ્થાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને ગ્રામજનોને કોરોના વાયરસથી બચાવવા માટે રસીકરણ જાગૃતિના સંવાહક બનવા અપીલ કરી હતી.
આ બન્ને ગામોમાં યોજાયેલી બેઠકમાં સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતુ રોકવા માટે ગ્રામજનોની સમજણ આપવી પડશે. ખાસ કરીને ગામમાં રહેતા વૃદ્ધો બીનજરૂરી રીતે બહાર ના નીકળે, સામાજિક અંતરનું પાલન થાય, લોકો માસ્ક અને સેનિટાઇઝેશન પ્રત્યે વધુ સજાગ બને એવા પ્રયત્નો કરવા પડશે.
તેમણે એમ પણ કહ્યું કે, ગામમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વેક્ષણ માટે આવે ત્યારે ગામના તમામ લોકોના આરોગ્યની તપાસણી થાય એની તકેદારી જનપ્રતિનિધિઓએ રાખવી પડશે. આરોગ્યકર્મીઓ સાથે ખંભેથી ખંભો મિલાવી કામ કરવું પડશે. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારના તમામ પ્રયત્નો નાગરિકોના સહયોગ વિના અધુરા છે.
શ્રી ભાભોરે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દાહોદની આરોગ્યલક્ષી તમામ જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. હવે, આ તબક્કો રસીકરણનો છે. ગ્રામ વિસ્તારના વધુમાં વધુ લોકો કોરોના સામેની રસી મૂકાવે તે દિશામાં સૌએ સાથે મળીને કામ કરવું પડશે. કોરોના વાયરસથી બચવા માટે રસીકરણ સુરક્ષિત ઉપાય છે. આ વાત ગ્રામજનોને સમજાવી પડશે. તેમ તેમણે અંતે ઉમેર્યું હતું.
આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે સંજેલી ખાતે કાર્યકરત આરોગ્ય કેન્દ્ર હાલના સંજોગોને ધ્યાને રાખીને કન્યા શાળામાં શિફ્ટ કરવામાં આવશે. બાદમાં નવી બિલ્ડિંગ બની જતાં ત્યા લઇ જવામાં આવશે.
આ વેળાએ પ્રાંત અધિકારી શ્રી સુખદેવ ચૌધરી, મામલતદારશ્રીઓ, જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: