કલેક્ટર શ્રી વિજય ખરાડીએ તાલુકા હેલ્થ ઓફિસર્સ સાથે બેઠક યોજી : હોટસ્પોટ વિસ્તારમાં સઘન સર્વેલન્સ-મેડીકલ કીટ વિતરણ કોરોના સંક્રમણ સામે અસરકારક હોવાનું જણાવતા કલેક્ટરશ્રી
દાહોદ તા.૧૧
જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસર્સ સાથે અઠવાડિયામાં બે વખત નિયમિત યોજાતી બેઠકના ભાગરૂપે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજ રોજ તેમની સાથે ઓનલાઇન બેઠક યોજી કોરોનાની બીજી વેવમાં અપનાવેલી રણનીતિની સમીક્ષા કરી હતી. તેમણે હોટસ્પોટ વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને મેડીકલ કીટના વિતરણ તેમજ વેક્સિનેશન બાબતે જાગૃતિ અભિયાન બાબતે સમીક્ષા કરી હતી.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાંથી ૬૫ ટકા અને શહેરી વિસ્તારમાંથી ૩૫ ટકાનું પ્રમાણ છે. જે વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યાં છે ત્યાં સર્વેલન્સની કામગીરી વધારવી. સર્વેલન્સ અને તેના આધારે થઇ રહેલા મેડીકલ કીટ વિતરણના ખૂબ સારા પરિણામો મળી રહ્યાં છે. આ નીતિ પ્રમાણે એસિમ્ટોમેટિક અને માઇલ્ડ દર્દીઓ જલ્દીથી ઓળખાય છે અને સમયસર મેડીકલ કીટ મળતાં દર્દી જલ્દી સાજા થઇ રહ્યાં છે. ૮૫ ટકાથી વધુ આવા જ માઇલ્ડ કેસો જ હોય છે જેને શરૂઆતના જ તબક્કામાં રોકી લેવાથી દવાખાનામાં દાખલ થવા જેવી ગંભીર સ્થિતિ થતી નથી.
તેમણે ઉમેર્યું કે, જે વિસ્તારો હોટસ્પોટ છે ત્યાંના લોકોને વેક્સિનેશનની કામગીરી ખૂબ જરૂરી છે. આ વિસ્તારોમાં ધન્વંતરિ રથ અને સર્વેલન્સની કામગીરી પણ વધારવામાં આવે. જે લોકોને કોરોનાના લક્ષણો જણાઇ છે તેમને તુરત જ મેડીકલ કીટ આપવી જોઇએ. અત્યારે તમામ તાલુકાઓમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે આ તમામ કામગીરી સઘન રીતે થવી જોઇએ. અત્યારે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને ઓપીડીમાંથી ઘણાં બધા કોરોનાના દર્દીઓ જણાઇ આવે છે આ દર્દીઓને તાત્કાલિક સારવાર હાથ ધરવી જોઇએ અને દર્દી માઇલ્ડ હોય ત્યારે જ દવા કરવાથી તેમની ગંભીર થવાની શક્યતા સાવ નહીવત થઇ જાય છે.
તેમણે જણાવ્યું કે, આપણે સંભવિત ત્રીજા વેવ માટે પણ અત્યારથી જ તૈયારી કરવી જોઇએ. એ માટે જરૂરી સંસાધનોની અત્યારથી જ વ્યવસ્થા કરવી જોઇએ. હોટસ્પોટ વિસ્તારમાં વેક્સિનેશન, વલ્નરેબલ ગ્રુપ છે તેમના માટે ખાસ સાવચેતી, તાલુકા સ્તરે જ જરૂરી વ્યવસ્થા અને અત્યારથી આયોજન કરવું જરૂરી છે.
બેઠકમાં અધિક મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી રમેશ પહાડિયા સહિત વિવિધ તાલુકાઓના હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યાં હતા.