છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૬૨ લાખ પોઝિટિવ કેસ નોંધાયા : દેશમાં સતત બીજા દિવસે ૪ હજારથી વધુ લોકોના કોરોનાથી મોત
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૩
ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં બે દિવસ ઘટાડો નોંધાયા બાદ ત્રીજા દિવસે ભારતમાં ૩.૫ લાખથી વધારે કેસ નોંધાયા છે. હાલ દેશમાં બીજી લહેર ચાલી રહી છે અને તેમાં મૃત્યુઆંક અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. હાલ ભારતમાં દુનિયાના બાકી દેશો કરતા સૌથી વધારે દૈનિક સંક્રમિત કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો પણ પાછળ છૂટી રહ્યા છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં એક દિવસમાં નોંધાતા નવા કોરોના કેસની સામે દુનિયાના ઘણાં દેશના આંકડા નીચા નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધુ ૩,૬૨,૭૨૭ નવા કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૩,૫૨,૧૮૧ નોંધાઈ છે. જ્યારે વધુ ૪,૧૨૦ દર્દીઓએ એક દિવસમાં કોરોના સામે દમ તોડ્યો છે.
ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૩૭,૦૩,૬૬૫ થઈ ગઈ છે, જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધીને ૧,૯૭,૩૪,૮૨૩ સાથે બે કરોડની નજીક પહોંચી ગઈ છે. ભારતમાં સતત બીજી દિવસે ૪,૦૦૦ કરતા વધુ દર્દીઓએ કોરોના સામે દમ તોડ્યો છે જેની સાથે કુલ મૃત્યુઆંક ૨,૫૮,૩૧૭ થઈ ગયો છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૭,૧૦,૫૨૫ પર પહોંચી ગઈ છે.
કોરોના સંક્રમણના લેટેસ્ટ ડેટા મુજબ, ભારત આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણ અને તેનાથી થનારા મોતના મામલે પહેલા નંબરે છે. કોરોના સંક્રમણથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ આ સમયે બીજા નંબર પર છે, જ્યાં પાછલા ૨૪ કલાકમાં ૨૫,૨૦૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪ કલાક દરમિયાન અમેરિકામાં ૨૨,૨૬૧ કેસ નોંધાયા છે, જે ત્રીજા નંબર પર છે. આ પછી ફ્રાન્સ અને ઈરાનનો નંબર આવે છે જ્યાં ૧૮,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે એક તરફ ભારતમાં સતત બીજા દિવસે મૃત્યુઆંક ૪૦૦૦ને પાર કરી રહ્યો છે જ્યારે દુનિયાના કોઈ અન્ય દેશમાં આ આંકડા એક હજારથી પાર નથી થઈ રહ્યા.
આઇસીએમઆર મુજબ ભારતમાં ૧૨ મે સુધીમાં ૩૦,૯૪,૪૮,૫૮૫ કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે બુધવારે વધુ ૧૮,૬૪,૫૯૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડવા રસીના કુલ ૧૭,૭૨,૧૪,૨૫૬ ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે.