દાહોદમાં નેશનલ હેલ્થ મીશનના ૪૦૦ ઉપરાંત કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સામુહિક રાજીનામું ધરી દીધું
દાહોદ તા.15
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી કામ કરી રહ્યા છે. જેમની કેટલીક માંગણીઓ છેલ્લા છ માસથી પડતર પડેલ છે. જેને લઈને રાજ્ય સરકાર દવારા કોઈપણ હકારાત્મક અભિગમ ન અપનાવતા આજરોજ નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા જીલ્લા વિકાસ અધિકારીનેને આવેદનપત્ર પાઠવી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર કાર્યરત તમામ હેલ્થ મિશનના 433 જેટલાં કર્મચારીઓએ સામુહિક રાજીનામા આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ કર્મચારીઓ રાજીનામાથી કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં આરોગ્યક્ષેત્રે મોટી તકલીફો જિલ્લાની જનતાને ભોગવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે
કોરોના મહામારીના સંકટથી હાલ સમગ્ર ભારત હાલ ઝઝુમી રહ્યો છે.તેમાંય કોરોનાની બીજી લહેરે તો આખા ભારતભરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાંથી ભારતને બહાર લાવવા આરોગ્ય ક્ષેત્રે કામ કરતા તમામ કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાનો જીવ જોખમમાં નાખી 24 કલાક ખડેપગે કથા પરિશ્રમ કરી રહ્યા છે.ત્યારે ગુજરાત પણ આ મહામારીથી બાકાત નથી ગુજરાતના વિવિધ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારીઓ પણ છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે.જેમાં દાહોદ જિલ્લામાં કુલ 433 જેટલાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે.આ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા છ માસથી કર્મચારીઓની વિવિધ વિવિધ પડતર માંગણીઓની ફાઈલ આરોગ્ય મંત્રાલયમાં અટવાયેલી છે. વારંવાર રજૂઆતો તેમજ આવેદન પાથરી પોતાની વિવિધ માગણીઓ સંદર્ભે સરકારમાં રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે દાહોદ જિલ્લાના નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત 433 કર્મચારીઓએ આજરોજ જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચી આ મામલે જિલ્લા વિકાસ અધિકારી રુચિત રાજને એક આવેદન પાઠવી સામૂહિક રાજીનામા ધરી દેતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આવી વિકટ પરિસ્થિતિમાં કરાર આધારિત કર્મચારીઓના સામૂહિક રાજીનામાથી આવનાર દિવસોમાં કોવીડ 19 ની કામગીરીમાં મોટી અસર પાડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.