ધાનપુર તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ લગ્ન પ્રસંગમાં જાહેરનામાનો ભંગ જણાતાં નિમંત્રક અને ડી.જે. સંચાલક વિરૂધ્ધ ગુનો દાખલ
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બે ગામોમાં લગ્ન પ્રસંગોમાં જાહેરનામાનો ભંગ થતો જાેવાતાં પોલીસની ટીમના સપાટામાં નિમંત્રકો અને ડી.જે.સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા અનુસાર, ડી.જે. સંચાલકોના ડી.જે.સિસ્ટમ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
ગતરોજ રાત્રીના સમયગાળા દરમ્યાન મામલતદારની પરવાનગી મેળવ્યા વિના લગ્ન આયોજિત કરી ધાનપુર તાલુકાના કાળિયાવાડ ગામે ૨૦૦ થી વધુ મહેમાનો તથા ભોરવા ગામે ૨૦૦ જેટલા માણસો બોલાવનાર નિમંત્રકો દ્વારા ડી.જે બોલાવી ડી.જે. પર વગાડી નાચગાન કરતાં હતાં. લગ્ન પ્રસંગમાં સરેઆમ સોશીયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જાેવાતાં ધાનપુર પોલીસે સપાટો બોલાવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનાર તથા રાત્રી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા મળી આવેલ હોઈ તેમના વિરૂધ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઈપીકો કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧(૧)બી મુજબ નિમંત્રક તથા ડી.જે સંચાલક વિરૂધ્ધ ધાનપુર પોલીસ ટિમ દ્વારા કુલ ૦૨ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.