દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત : એક ગંભીર
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નીપજ્યાનું જ્યારે એકને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના વાખસીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી મેના રોજ ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે ડુંગરા ફળિયામાં રહેતા મહેશભાઈ સામાભાઈ બામણીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ વાખસીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં અને પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં મહેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું. આ સંબંધે આમલીમેનપુર ગામે રહેતા સામાભાઈ જીવાભાઈ બામણીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી મેના રોજ એક રીક્ષાના ચાલકે પોતાના કબજાની રીક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલાં ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે પરમાર ફળિયામાં રહેતા દિનેશભાઈ બદીયાભાઈ ડીંડોર અને તેમની પાછળ બેઠેલ સુરેશભાઈ નરપતસિંહ રાઠવાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં બંન્ને મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયા હતાં જેને પગલે બંન્નેને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન દિનેશભાઈનું મોત નીપજતાં આ સંબંધે ખાખરીયા ગામે રહેતાં સતીષભાઈ દિનેશભાઈ ડીંડોડ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.