એમેરિકા – બ્રાઝિલ બાદ ભારત ત્રીજા નંબરે, છેલ્લા ૨૪ કલાકમાં ૨.૨૨ લાખ નવા કેસ, ૪૪૫૪ના મોત : ભારતમાં કોરોનાથી માત્ર ૨૬ દિવસમાં ૧ લાખ લોકોએ જીવ ગુમાવ્યા
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ઘટતા જાય છે પણ મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશભરમાં કોવિડ-૧૯થી ૨૪ કલાકમાં ૪૪૫૪ લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ કોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૩ લાખને પાર કરી ગયો છે. એક દિવસમાં કોરોનાના નવા ૨.૨૨ લાખ નવા કેસ નોંધાયા છે.
ભારતીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૨,૨૨,૩૧૫ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૬૭,૫૨,૪૪૭ પર પહોંચી ગયો છે જેમાંથી ૨,૩૭,૨૮,૦૧૧ દર્દીઓ રિકવર થઈ ગયા છે જ્યારે ૨૭,૨૦,૭૧૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ ૪૪૫૪ લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆંક હવે ૩,૦૩,૭૨૦ થઈ ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ કુલ ૧૯,૬૦,૫૧,૯૬૨ કોરોનાના ડોઝ અપાઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં કોરોનાથી ૩,૦૨,૫૪૪ લોકો રિકવર પણ થયા છે.
આ સાથે જ અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત ત્રીજાે એવો દેશ છે જ્યાં કોવિડ-૧૯થી ૩ લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં ૬ લાખ ૪ હજાર ૮૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બ્રાઝિલમાં ૪ લાખ ૪૯ હજાર ૧૮૫ લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો હવે ૩ લાખને પાર ગયો છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૩,૦૩,૭૨૦ લોકોના જીવ ગયા છે.
ભારતમાં છેલ્લા એક મહિનામાં કોવિડ-૧૯થી થનારા મોતમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા ૨૬ દિવસમાં એક લાખથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ૨૮ એપ્રિલના રોજ મોતનો આંકડો ૨ લાખ હતો અને હવે ૨૬ દિવસ બાદ આ આંકડો ૩ લાખને પાર ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી ૧૯,૨૮,૧૨૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૩,૦૫,૩૬,૦૬૪ કોરોના ટેસ્ટ કરાયા છે.
ચિંતાની વાત એ છે કે છેલ્લા ૨ અઠવાડિયામાં મોતનો આંકડો અઢી લાખથી ત્રણ લાખને પાર કરી ગયો છે. ભારત અત્યારે દુનિયામાં કોરોનાનું એપિસેન્ટર બનેલું છે, કેમકે સૌથી વધારે નવા કેસ અહીં આવી રહ્યા છે. તો મોતના કેસોમાં પણ અત્યારે ભારત દુનિયાનો ત્રીજાે સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે.
અમેરિકા, બ્રાઝિલ બાદ હવે કોવિડથી સૌથી વધારે મોત ભારતમાં જ થયા છે. અમેરિકામાં ૬૦૪,૦૮૭, બ્રાઝીલમાં ૪૪૯,૧૮૫ અને ભારતમાં ૩૦૩,૭૫૧ મોત થયા છે. ઉલ્લેખનીય છે કે એક્સપટ્ર્સના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર જુલાઈ સુધી ઓછી થવા લાગશે. જાે કે ત્રીજી લહેરની પણ ચેતવણી આપવામાં આવી છે, જે ૬ મહિના બાદ આવી શકે છે, પરંતુ અત્યારે કોરોનાની સાથે બ્લેક ફંગસે ભારતની ચિંતા વધારી છે, જેના લગભગ ૯ હજાર કેસ સામે આવ્યા છે.