દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીની અધિકારીઓ દ્વારા ચકાસણી કરાઇ : વિવિધ ગામોમાં ૧૭૦ થી પણ વધુ સ્થાનોએ તળાવો, કુવા, ચેકડેમની કામગીરીની ચકાસણી કરાઇ
રાજય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની મોસમમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે અને વિવિધ તળાવ-ચેકડેમ ઊંડા કરવાના કામ, તેમની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે ચોમાસા પહેલા પૂર્ણ કરવાની હોય છે જેથી વરસાદી પાણીનો પૂરેપૂરો સંગ્રહ થઇ શકે. દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા હતા અને અત્યારે આ કામોની ચકાસણીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીની ચકાસણી કરવા માટે વિવિધ અધિકારીઓના હુકમ કરવામાં આવ્યા હતા જેમણે તા. ૨૯ મે સુધીમાં આ અંગેનો રિપોર્ટ આપવાનો છે. અધિકારીઓએ ટેકનીકલ તેમજ અન્ય સ્ટાફને સાથે રાખીને ચકાસણીનું કાર્ય પૂરૂ કર્યું છે.
જિલ્લામાં વિવિધ ગામોમાં થયેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાના કામ, ચેકડેમ રિપેરીંગ, એમ.આઇ. ટેન્ક વગેરે કામોની ચકાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અધિકારીએ ટેકનીકલ સ્ટાફને સાથે રાખીને કામ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થયું છે કે કેમ, યોગ્ય ગુણવત્તા મુજબનું કામ થયું છે કે કેમ, કામના ચુકવણાની વિગત, મુલાકાત દરમ્યાન કામની સ્થિતિ અને નિરીક્ષણો નોંધીને જણાવવાના હતા. આ ઉપરાંત યોજનાથી ખરેખર કેટલા લોકોને લાભ મળશે અને કેટલો વિસ્તાર સુધી લાભ પહોંચશે વગેરે માહિતી પણ સબમીટ કરવાની હતી.
જિલ્લામાં ૧૭૦ થી પણ વધુ સ્થાનોએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલા તળાવો, કુવા, ચેકડેમ વગેરેની ચકાસણીને આધારે જે તે એજન્સીને ચુકવણું કરવામાં આવશે. આ અંગે ૨૯ જેટલા અધિકારીઓને ટેકનીકલ સ્ટાફ અને અન્ય સ્ટાફને સાથે રાખીને ચકાસણી કરી હતી. જે તે વિભાગના અધિકારીઓએ આ અંગેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ સબમીટ કર્યો છે.