યે આગ કબ બુઝેગી, સરકાર બેફામ, પ્રજા લાચાર : પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતિંગ વધારોઃ મુંબઇમાં ભાવ ૧૦૦ને પાર : શનિવારે પેટ્રોલના ભાવોમાં ૨૬ પૈસા અને ડીઝલના ભાવોમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યા : મુંબઇમાં ડીઝલનો ભાવ રૂ.૯૨.૧૭, પેટ્રોલમાં છેલ્લા ૨૫ દિવસમાં લીટરે ૩.૫૪ અને ડિઝલમાં ૪.૩૭ રૂપિયાનો જંગી વધારો ઝિંકાયો
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
શનિવારે ઈંધણના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. શનિવારે થયેલા વધારા સાથે મુંબઈમાં પહેલી વાર પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયા. શનિવારે પેટ્રોલના ભાવોમાં ૨૬ પૈસા અને ડીઝલના ભાવોમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શનિવારે વધારા સાથે મુંબઈમાં પેટ્લો ૧૦૦.૧૯ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ ૯૨.૧૭ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ.
વળી, રાજધાની દિલ્લીમાં પેટ્રોલ ૯૩.૯૪ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ ૯૧.૮૭ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ. આ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલ ૯૫.૫૧ રૂપિયા જ્યારે ડીઝલ ૮૯.૬૫ રૂપિયા પ્રતિ લિટર પર વેચવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ચાર મે બાદથી ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. આ ૧૫મી વાર છે જ્યારે મેમાં ઈંધણના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા સાથે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
શુક્રવારે ઓઇલ કિંમતોએ ભાવો સ્થિર રાખ્યા હતા. ગુરુવારે અને તે પહેલાં મંગળવારે વધાર્યા હતા. આમ આશરે એકાંતરે દેશના નાગરિકો પર ભાવવધારાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. હવે દેશમાં ભોપાલ બાદ મુંબઇ બીજી રાજધાની છે, જ્યાં પેટ્રોલમી કિંમત રૂ.૧૦૦ને કૂદાવી ગઇ. આમ મહારાષ્ટ્રમાં થાણે બાદ મુંબઇ અને મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવો ૧૦૦ રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયા છે.
આ સાથે ૪ મેથી અત્યાર સુધીના ૨૫ દિવસમાં પેટ્રોલમાં લીટરે ૩.૫૪ રૂપિયાનો અને ડીઝલમાં ૪.૩૭ રૂપિયાનો જંગી વધારો ઝીંકી દેવાયો છે. હવે તો રાજકીય કે સામાજિક સ્તરે પણ તેનો વિરોધ બંધ થઇ ગયાનું લાગે છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયુ છે. બે અલગ રાજ્યોમાં ઈંધણની કિંમતો ત્યાં લાગતા કર પર ર્નિભર કરે છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર મૂલ્ય વર્ધિત કર(વેટ) સૌથી વધુ છે ત્યારબાદ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. ક્રૂડ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને વિદેશી વિનિમય દરોના આધારે પ્રતિદિવસ ઈંધણના ભાવોમાં ફેરફાર કરે છે.