મૃતકોમાં એક જ પરિવારના ૪ લોકો સામેલ : મહારાષ્ટ્રના થાણેમાં ૨૬ વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી : ૭ના મોત
(જી.એન.એસ.)થાણે,તા.૨૯
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા ૭ લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ૪ લોકો એક જ પરિવારના છે.
રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું કે નેહરુ ચોક વિસ્તારમાં બનેલી આ ઈમારતનું નામ સાંઈસિદ્ધિ છે. એનો પાંચમા માળનો એક સ્લેબ ધરાશાયી થયો છે. કાટમાળમાંથી અત્યારસુધી ૭ લોકોના મૃતદેહો કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને પોલીસના જવાન ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. બિલ્ડિંગમાં ૨૯ પરિવાર રહે છે. બિલ્ડિંગનું નિર્માણ ૧૯૯૪-૯૫માં થયું હતું.
મૃતકોમાં ૪ મહિલા અને ૩ પુરુષ સામેલ છે. તેમાં પુનિત બજાેમલ ચાંદવાણી (૧૭ વર્ષ), દિનેશ બજાેમલ ચાંદવાણી (૪૦ વર્ષ), દીપક બજાેમલ ચાંદવાણી (૪૨ વર્ષ), મોહિની બજાેમલ ચાંદવાણી (૬૫ વર્ષ), કૃષ્મા ઈનુચંદ બજાજ (૨૪ વર્ષ), અમૃતા ઈનુચંદ બજાજ (૫૪ વર્ષ). લવલી બજાજ (૨૦ વર્ષ) સામેલ છે.
ઉલ્હાસનગર ટાઉનશિપમાં ૧૫ મેના રોજ આ જ રીતે એક ગેરકાયદે ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઈમારત ચાર માળની હતી અને ચોથા માળનો જ સ્લેબ પડી ગયો હતો. ત્યાર પછી અન્ય માળના સ્લેબ પણ ધરાશાયી થવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ૫ લોકોનાં મોત થયાં હતાં. રેસ્ક્યૂ ટીમે ૧૧ લોકોને બહાર કાઢ્યા હતા.