દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૨માં વનમહોત્સવનું દમદાર આયોજન : વનવિભાગ દ્વારા ૫૭.૬૫ લાખ નવા રોપાઓના વાવેતર થકી દાહોદ હરિયાણું બનશે

દાહોદ તા.૦૪

વિશ્વમાં લોકો પર્યાવરણીય સંપતિની જાળવણી કરે અને તેના પ્રત્યે જાગૃત બને તેવા ઉદ્દેશથી દર વર્ષે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણની સમતુલા જળવાય રહે તેમાં વૃક્ષોનું અમૂલ્ય યોગદાન છે ત્યારે રાજય સરકાર દ્વારા પણ દર વર્ષે વનમહોત્સવની ઉજવણી કરીને રાજયના વનવિસ્તારમાં નોંધપાત્ર ઉમેરો કરવામાં આવે છે. રાજય સરકારના આ અભિયાનમાં દાહોદ હંમેશા અગ્રેસર રહ્યું છે. આ વર્ષે પણ દાહોદમાં ૫૭.૬૫ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. અડધા કરોડથી વધુ રોપાઓના આયોજનબદ્ધ વાવેતરથી ગ્રીન દાહોદની લીલોતરીમાં મોટો ઉમેરો થશે.
દાહોદના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે પણ દર વર્ષની જેમ ૭૨ માં વનમહોત્સવનું દમદાર આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષાઋતુનો પૂરેપૂરો ઉપયોગ થાય અને નવા વૃક્ષો દાહોદની ધરતી પર ઉમેરાય એ માટે લાખો નવા રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆત નવા વૃક્ષોને પલ્લવીત થવા માટેનો આદર્શ સમય છે. માટે આ સમય દરમિયાન જ નવા વૃક્ષો માટેનું આયોજન કરવામાં આવે છે અને ચોમાસાની શરૂઆત સાથે જ વનમહોત્સવ નિમિત્તે આખા ય જિલ્લામાં નવા તૈયાર કરાયેલા રોપાઓને લગાવવામાં આવે છે. ખેડૂતોને આર્થિક રીતે સહાય થાય એવા રોપાઓ લાખો ખેડૂતોને વહેચવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ખાનગી સેવાભાવી સંસ્થાઓને પણ વૃક્ષારોપણ પર્વમાં જોડવામાં આવે છે.
નાયબ વનસંરક્ષક શ્રી આર.એમ. પરમાર જણાવે છે કે, આ વનમહોત્સવમાં કુલ ૫૭.૬૫ લાખ નવા રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જુદા જુદા તાલુકાઓમાં નીલગીરી, ગુલમહોર, પેલ્ટો, સાગ, તુલસી તેમજ અન્ય આયુર્વેદિક અને ઔષધિય ગુણ ધરાવતા રોપાઓ તેમજ ફળાઉ, સુશોભિત તેમજ ઇમારતી વૃક્ષોના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ રોપાઓનું ચોમાસા દરમિયાન યોગ્ય સમયે વનમહોત્સવ અંતર્ગત વિતરણ કરવામાં આવશે.
જિલ્લામાં ગામે ગામ થનારી વનમહોત્સવની ઉજવણીમાં કુલ ૨૨૫ લાખ રોપાઓ આ ઉપરાંત વૃક્ષ ખેતી અને ફાર્મ ફોરેસ્ટ્રી અંતર્ગત ખેડૂતો મારફતે કુલ ૧૯.૫૦ લાખ રોપાઓનું વાવતેર કરવામાં આવશે. આ માટે ૨૧૫૦ ખેડૂતોની બિનઉપજાઉ જમીનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, શાળાઓ તેમજ અન્ય એજન્સીઓને વનમહોત્સવ દરમ્યાન વૃક્ષારોપણ માટે કુલ ૩૫.૯૦ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.
સામાજિક વનીકરણ વિભાગે જિલ્લામાં વૃક્ષારોપણ પ્રત્યે ઉદાહરણીય કામગીરી કરી છે. છેલ્લા બે વર્ષમાં રસ્તાની બંને બાજુએ ખુલ્લી જમીન અને ગોચન જમીનમાં ૪૯૨.૫૦ હેક્ટર વિસ્તારમાં કુલ ૩.૩૨ લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે. સાથે ફાર્મ ફોરેસ્ટ્રી, વૃક્ષ ખેતી અને એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૩૬૪ હેક્ટર વિસ્તારમાં ૩૨.૯૯ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ ફાર્મ ફોરેસ્ટ્રી, વૃક્ષ ખેતી અને એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત જ ૩૭૯૮ લાભાર્થીઓને ૫૫૯.૭૫ લાખની સહાય કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: