દાહોદ શહેરમાં મોટરસાઈકલ ચોર ટોળકીના તરખાટ : એકજ દિવસમાં ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી
દાહોદ તા.૦૪
દાહોદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જાણે મોટરસાઈકલ ચોર ટોળકીને મોકળુ મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરમાંથી વધુ ૦૩ મોટરસાઈકલો એકસાથે ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.
દાહોદ શહેરમાં આવેલ રાજે આર્કેટ, બાલાજી હોટલની બાજુમાંથી ગત તા.૦૨ જુનના રોજ આ વિસ્તારમાં રહેતાં સરવનન સીવાલીંગમ ગોંડર, જયેશભાઈ વિનોદચંદ્ર પંચાલ અને અન્ય એક વ્યક્તિની મળી કુલ ત્રણ મોટરસાઈકલો આ વિસ્તારમાથી રાત્રીથી લઈ સવારના અગીયાર વાગ્યાના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ત્રણેય મોટરસાઈકલોનો લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે સરવનન સીવાલીંગમ ગોંડર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.