દાહોદના કાર્યકારી કલેક્ટર શ્રી રચિત રાજે દૂકાનેદૂકાને જઇ વેપારીઓને રસી લેવા સમજાવ્યા : બસ સ્ટેન્ડમાં જઇ મુસાફરો સાથે રસીકરણ અંગે જાગૃત થવા સંવાદ સાધ્યો, બસ સ્ટેન્ડના માઇકમાં શ્રી રાજે ખુદ એનાઉન્સ કર્યું
દાહોદમાં રસીકરણનો વ્યાપ વધે એ માટે કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ખાસ કરીને વેપારીઓમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ વધે એ માટે તેઓ આજે બપોર બાદમાં બજારમાં નીકળ્યા હતા અને દૂકાને દૂકાને જઇને વેપારીઓ, તેમને ત્યાં કામ કરતા કામદારોને કોરોનાથી સુરક્ષિત થવા રસી લેવામાટે સમજાવ્યા હતા.
શ્રી રચિત રાજ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી રતલામી સેવ ભંડાર ખાતે બપોર બાદ પહોંચી ગયા હતા. જ્યાં જઇને તેમના દૂકાનના માલિક અને કામદારો સાથે મુલાકાત કરી હતી. કાઉન્ટર કામ કરતા કામદારોને રસી લીધી કે કેમ ? એ બાબતની પૃચ્છા કરી હતી. અહીં કામ કરતા તમામ કામદારોએ કોરોના સામેની રસી લઇ લીધી હતી. પરંતુ, કામદારોના પરિવારજનોમાં કેટલાક લોકોએ રસી લીધી નહોતી. કામદારોના પરિવારજનોને પણ રસી મૂકાવી લેવા માટે સમજ આપી હતી. અહીં એક વિશેષ બાબત જોવા મળી હતી કે રસી મૂકાવનારા કોઇ ગ્રાહક રસીકરણનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેમને વિશેષ નમકીનની ખરીદી ઉપર પાંચ ટકા વળતરનો લાભ આપવામાં આવે છે. શ્રી રાજે આ બાબતની પ્રશંસા કરી હતી.
એ બાદ કાર્યકારી કલેક્ટરશ્રી રાજ મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સ તથા મહાલક્ષ્મી ફૂટ વેર બજારમાં પણ પહોંચ્યા હતા. અહીં તેમણે દૂકાન માલિકો સાથે રસીકરણ બાબતે ચર્ચા કરી હતી અને તેમને સમજાવ્યા હતા કે દાહોદ નગરમાં બે સ્થળોએ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ગ્રાહકોને પણ આ સેન્ટરની માહિતી આપી કોરોના સામેની રસી મૂકાવી સુરક્ષિત બનાવવા વેપારીઓ પોતાની ભૂમિકા અદા કરે તેવી અપીલ કરી હતી.
શ્રી રાજે ક્ષૌરકર્મીઓ, ઇલેક્ટ્રીક ગુડ્સ, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ્સની પણ મુલાકાત લીધી અને તેમને પણ રસીકરણ બાબતે સમજાવ્યા હતા. રાજમાર્ગ ઉપર ફ્રુટ, બીજા સામાન્ય સામાન વેચતા ફેરિયાઓને પણ વારાફરતી મળ્યા હતા. તેમાંથી કેટલાક લોકોએ રસી લઇ લીધી હતી. એક વ્યક્તિએ શ્રી રાજને એવી માહિતી આપી કે તેમણે કોરોના સામેની રસી લઇ લીધી છે, એટલે શ્રી રાજે રસી લઇ લીધાનો મોબાઇલમાં આવતો મેસેજ દેખાડવા કહ્યું તો પેલી વ્યક્તિ ભોંઠી પડી ગઇ હતી. તેમને કાર્યકારી કલેક્ટરે સમજાવ્યા કે, આ તમારા આરોગ્યનો પ્રશ્ન છે અને જો તમે રસી લઇ લેશો તો કોરોનાની ઘાતક અસરથી બચી શકાશે.
શ્રી રચિત રાજ એ બાદ બસ સ્ટેન્ડમાં પણ પહોંચ્યા હતા. અહીં રહેલા મુસાફરોની પણ પૃચ્છા કરી હતી. યુવાનો, વૃદ્ધો, મહિલાઓ, ડ્રાઇવરો સાથે રસીકરણ બાબતે ચર્ચા કરી હતી. એટલું જ નહીં, તેઓ બસ સ્ટેન્ડ અંદર રહેલા એનાઉન્સમેન્ટ સેન્ટર અંદર પહોંચી ગયા હતા અને ત્યાંથી તેમણે પોતાના સ્વરમાં માઇક ઉપર કોરોના સામેની રસી લેવા માટે મુસાફરોને માહિતી આપી હતી. બસની અંદર જઇને મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો. એક વૃદ્ધ મુસાફરે રસી મૂકાવી નહોતી. એ જાણી તેઓ આશ્ચર્ચ ચકિત થઇ ગયા હતા. તેમણે તે વૃદ્ધ મુસાફરનો નંબર લઇ બે દિવસમાં રસી મૂકાવી લેવા સૂચના આપી હતી.
બસ સ્ટેન્ડ બહાર રહેલા રિક્ષાચાલકો સાથે પણ શ્રી રાજે મુલાકાત લીધી હતી. અહીં રિક્ષાચાલકોને રસી લેવા અંગે સારી રીતે સમજાવ્યા હતા. એમાં એક રિક્ષા ચાલકે એવું બહાનું બચાવ્યું કે તે રસી લેવા માટે ગયો તો તેમની પાસે આરટીપીઆર ટેસ્ટનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું ! આ વાત સાંભળી શ્રી રાજે તેમને જુઠુ બોલતા પકડી પાડ્યા હતા અને પોતાની સુરક્ષા માટે રસી લઇ લેવા સમજાવ્યા હતા.
કાર્યકારી કલેક્ટરશ્રીએ વેક્સીનેશન ડ્રાઇવેને મિશન મોડ ઉપર લઇ જવાનો નિર્ધાર કર્યો છે. તેમને એવું કહ્યું કે, કોરોના સામે રસી મૂકાવવી એ જ માત્ર સુરક્ષિત ઉપાય છે. હેલ્ધી પીપલ અને હેલ્ધી ઇકોનોમી માટે રસીકરણ આવશ્યક છે. આ બાબત દાહોદના વેપારીઓને સમજાવી હતી.
તેમની આ ડ્રાઇવમાં સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રમેશ પહાડિયા, નાયબ કલેક્ટર શ્રી એમ. એમ. ગણાસવા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસંત પટેલ પણ જોડાયા હતા.