ઝાલોદ તાલુકાના ધાવડીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રૂા.૧૩,૫૦૦ની લાચ લેતાં રંગેહાથ ઝડપાયો
દાહોદ તા.15
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ધાવડિયા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા એન.આર.જી. યોજના હેઠળ વિવિધ નવીન કામોની ફાઇલો પર સહી સિક્કા કરી આપવા માટે એક જાગૃત વ્યક્તિ પાસેથી લાંચની માગણી કરી હતી. આ લાંચની રકમ જાગૃત વ્યક્તિ આપવા માંગતો ન હોવાને કારણે તેને દાહોદ એસીબી પોલીસનો સંપર્ક સાધ્યો હતો ત્યારે ગતરોજ દાહોદ acb પોલીસે ઝાલોદ નગરમાં છટકું ગોઠવી લોભિયા તલાટી કમ મંત્રીને રૂપિયા 13,500/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ગ્રામ પંચાયત આલમ સહિત તલાટી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામ પંચાયતમાં વર્ગ-૩માં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર પન્નાલાલ પ્રજાપતિ દ્વારા એક જાગૃત નાગરિક પાસેથી એનઆરજી યોજના હેઠળ વિવિધ નવીન કામોની કુલ ૧૮ ફાઇલોમાં સહી સિક્કા કરી આપવા માટે આ તલાટી કમ મંત્રી અલ્પેશકુમારે જાગૃત નાગરિક પાસેથી ફાઈલ દીઠ રૂપિયા 500ની લાંચની માગણી કરી હતી તેમજ અગાઉ સહી સિક્કા કરી આપ્યા હતા તેના બાકી રહેલા 6000 એમ કુલ મળી રૂપિયા 13,500ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક આ લાંચના નાણાં આપવા માંગતો ન હોવાને કારણે તેને દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો અને દાહોદ એસીબી પોલીસના ઇન્સ્પેક્ટરની પી.કે.અસોડા તેમજ તેમના સ્ટાફ મિત્રોએ ગતરોજ તારીખ ૧૪મી જૂનના રોજ ઝાલોદ નગરમાં વિશ્વકર્મા મંદિરની સામે રાયણ ફળિયા ખાતે છટકું ગોઠવ્યું હતું જ્યાં જાગૃત નાગરિક પાસેથી આ તલાટી-કમ-મંત્રી અલ્પેશકુમાર પન્નાલાલ પ્રજાપતિ રૂપિયા 13,500/- લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ આ સમાચાર વાયુવેગે ઝાલોદ તાલુકા સહિત જિલ્લામાં પ્રસરતા સરકારી આલમમાં તેમજ રૂપિયા કર્મચારીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.