લીમખેડાના ફુલપરીઘાટાનો બનાવ : એસ.ટી.બસના ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત : અન્ય પેસેન્જરોને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરીઘાટા પાસે એક એસટી બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઢાળમાં સ્પીડમાં ગાડી હંકારતા સ્ટેરીંગ પરનો કાબુ બેસતા એસટી બસ રિવર્સમાં આવવા લાગી હતી અને જેને પગલે એસટી બસમાં સવાર કેટલાક પેસેન્જરો એસટી બસમાંથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા જેને પગલે એક પેસેન્જર મોત નિપજયાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય ગંભીર ઇજાગ્રસ્ત પેસેન્જરોને નજીકના દવાખાને ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ ૧૪મી જૂનના રોજ લીમખેડા તાલુકાના ફુલપરીઘાટા પાસે એક એસટી બસનો ચાલક પોતાની એસ.ટી.બસમાં મુસાફરો ભરી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતો હતો. આ દરમિયાન ઢાળમાં ઓવર સ્પીડમાં બસ ચઢાવવા જતા ડ્રાઇવરએ તેના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બસ ઓવર સ્પીડમાં ઢાળમાં રિવર્સમાં પછી આવતા બસમાં સવાર પેસેન્જરો બસમાંથી બહાર ફેંકાઇ ગયા હતા જેને પગલે પ્રજ્ઞેશભાઈ સુરસીંગભાઈ ડામોર (રહે.થેરકા તાલુકો ઝાલોદ,જિલ્લો દાહોદ) ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે બસમાં સવાર અન્ય પેસેન્જરોને ઈજાઓ પહોંચતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે એસ.ટી બસનો ચાલક એસ.ટી.બસ ઘટનાસ્થળે મુકી નાસી જતાં આ સંબંધે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના હીરાપુર ગામે રહેતા નિકુંજકુમાર સુરેશભાઈ કિશોરીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.