ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકાની કોર્ટે જેલમાં ધકેલ્યો
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૮
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને હવે પોલીસ કસ્ટડીમાંથી શિફ્ટ કરીને જેલમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. જાેકે મેહુલ ચોક્સી હજુ પણ હોસ્પિટલમાં જ છે અને તેની સારવાર ચાલી રહી છે. ડોમિનિકાની એક કોર્ટે ગુરૂવારે આવો આદેશ આપ્યો હતો.
મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલના કહેવા પ્રમાણે મેહુલ ચોક્સીને પોલીસ કસ્ટડીમાંથી કાઢીને જેલની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે પરંતુ તેની તબિયતમાં સુધારો આવે ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રહેશે. મેહુલ ચોક્સીની લીગલ ટીમે કોર્ટને મેડિકલ સર્ટિફિકેટ સોંપ્યા હતા જેમાં મેન્ટલ સ્ટ્રેસ અને બ્લડ પ્રેશરની મુશ્કેલી અંગેની જાણકારી આપવામાં આવી છે.
મેહુલ ચોક્સી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકને ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. મેહુલ ચોક્સી લાંબા સમયથી એન્ટીગુઆમાં હતો પરંતુ મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન તે કોઈ રીતે ડોમિનિકા પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારત મેહુલ ચોક્સીને પાછો લાવવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ હાલ ડોમિનિકાની કોર્ટમાં પ્રત્યાર્પણ માટેની સુનાવણી ટળી ગઈ છે.