દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ખુની ખેલ ખેલાયો : દલાલી કરતો હોવાના આક્ષેપો મુકી એકને મોતને ઘાટ ઉતાર્યાે
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે પોતાની સાથે લાકડી તથા તીરકામઠું લઈ આવી ગામમાં રહેતાં એક પરિવાર સાથે દલાલી કરવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી પોતાની સાથે લાવેલ લાકડી વડે એકને માથાના ભાગે માર મારી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે મૃતકના ભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
મોટીખરજ ગામે ભાભોર ફળિયામાં રહેતો દિનેશભાઈ મનીયાભાઈ ભાભોર ગત તા.૧૮મી જુનના રોજ સાંજના ચારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાનાજ ગામમાં રહેતાં ધોળકીબેન હિંમતભાઈ ભાભોરના ઘરે આવ્યો હતો અને ધોળકીબેન તેમના પતિ હિંમતભાઈ ભાવજીભાઈ ભાભોર અને તેમના દીયર ગંગુભાઈ ભાવજીભાઈ ભાભોર સાથે ઝઘડો તકરાર કરી હિંમતભાઈને કહેવા લાગેલ કે, તું દલાલી કરે છે, તેમ કહી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ દિનેશભાઈએ પોતાની સાથે લાવેલ લાકડી વડે હિંમતભાઈના માથામાં ફટકા મારતાં હિંમતભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓ સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં ત્યાર બાદ ગંગુભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દ્વારા હિંમતભાઈને તાત્કાલિક દાહોદના સરકારી દવાખાને લાવતાં જ્યાં તબીબોએ હિંમતભાઈને મૃત જાહેર કરતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
આ સંબંધે મૃતક હિંમતભાઈની પત્નિ ધોળકીબેન હિંમતભાઈ ભાભોરે દિનેશભાઈ મનીયાભાઈ ભાભોર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દિનેશભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.