દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓના બે યુવકો દ્વારા અપહરણ કરી ફરાર
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ધાનપુર અને લીમખેડા તાલુકામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓના બે યુવકો દ્વારા પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાં પામી છે.
ગત તા.૦૯.૦૬.૨૦૨૧ ના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા પોતાના જ ગામમાં રહેતી એક મહિલા સાથે દુધામલી ગામે બજારમાં કરિયાણું લેવા ગઈ હતી. આ દરમ્યાન ધાનપુર તાલુકાના પીપેરો ગામે રહેતો દિનેશભાઈ સાજનભાઈ મેડા પોતાના કબજાનો છકડો રીક્ષા લઈ સગીરા પાસે આવ્યો હતો અને તેણીની ખેંચતાણ કરી પોતાના કબજાના છકડા રીક્ષામાં સગીરાને બળજબરીપુર્વક બેસાડી પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં બજારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઉપરોક્ત અપહરણકર્તા યુવક દિનેશભાઈ સાજનભાઈ મેડા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજાે બનાવ લીમખેડા તાલુકાના ધુમણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી મેના રોજ ધુમણી ગામે નિશાળ ફળિયામાં રહેતો રાજેશભાઈ બલુભાઈ માવીએ લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં તેણીને પટાવી ફોસલાવી ધુમણી ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.