દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માત
બે બનાવોમાં બે જણા ઘટના સ્થળ પર જ કાળનો કોળીયો બન્યા
દાહોદ, તા.પ
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણા ઘટના સ્થળ પર જ અકાળે કાળનો કોળીયો બન્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના પુંસરી ગામે હાઈવે રોડ પર ગત બપોરના બાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રેલર ચાલક તેના કબ્જાનું જીજે ર૭ વી પ૧ર૭ નંબરનું ટ્રેલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઓચિંતી બ્રેક મારતા પાછળ આવી રહેલી તણસીયા ગામના મોતીભાઈ કાળીયાભાઈ ડામોરની જીજે ૧ એફસી પર૯ર નંબરની મોટર સાયકલ ટ્રેલર સાથે જમણી બાજુ ધડાકાભેર અથડાતા મોટર સાયકલ ચાલક મોતીભાઈ કાળીયાભાઈ ડામોરને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે ટ્રેલર ચાલક પોતાના કબ્જાનું ટ્રેલર સ્થળ પર જ મુકી નાસી ગયો હતો.
આ સંબંધે દાહોદ તાલુકાના તણસીયા ગામના વડલી ફળીયામાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ટ્રેલર ચાલક વિરૂધ્ધ ઈપીકો કલમ ર૭૯, ૩૦૪(અ) તથા એમવી એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતનો બીજા બનાવ ગત સાંજના પાંચ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના પાટીયા ઝોલ ગામથી મીનાક્યાર ચેકપોસ્ટ તરફ જતા મુખ્ય રસ્તા ઉપર પાણીની ટાંકી નજીક મોટા વળાંક પાસે બનવા પામ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના આઝાદ નગર તાલુકાના સીંગોલ ગામના પીપરાવ ફળીયામાં રહેતા કરણભાઈ રત્નાભાઈ ભાભોર તેની એમપી ૬૯ એમ એ ૯પ૩૮ નંબરની મોટર સાયકલ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઈ જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ વળાંકમાં રોડની ડાબી બાજુ નીચે ઉતરી ગઈ હતી અને રોડની ડાબી બાજુએ રોડને અડીને આવેલા સાઈડના ડીવાઈડર સાથે અથડાતા બેલેન્સ ગુમાવી આગળ જઈ તેવા જ બીજા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતા મોટર સાયકલ ચાલક કરણભાઈ રત્નાભાઈ ભાભોરને મોઢાના તથા નાકના ભાગે ગંભીર ઈજાઓ થતા મોઢામાંથી તથા નાકમાંથી વધુ માત્રામાં લોહી વહી જતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
આ સંબંધે મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના રીંગોલ ગામના પપ વર્ષીય રતનાભાઈ રાયસીંગભાઈ ભાભોરએ ગરબાડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.