જિલ્લામાં અભયમને મદદ માટે ૧૫૮૯૪ કોલ મળ્યાં, જેમાં અતિગંભીર કિસ્સામાં અભયમ ટીમ તુરત પહોંચી હિંસાથી પીડિત મહિલાઓને ઉગારી : દાહોદમાં મહિલાઓની સંકટમોચક બનતી અભયમ, ૩૨૮૭ મહિલાઓની મદદગાર બની

દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં અભયમ ટીમ ઉદાહરણરૂપ કામગીરી કરી રહી છે. અભયમ મહિલાઓ સહિત બાળકો, સિનિયર સીટીઝન, યુવતીઓ, કિશોરીઓ માટેના ખાસ કિસ્સામા સંકટમોચક બનીને સામે આવે છે. બાળ લગ્ન અટકાવવા, બાળકોનો અભ્યાસ શરૂ કરાવવો, મુગ્ધાવસ્થાના પ્રશ્નોમાં સમજથી પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં અભયમની શરૂઆતથી ૧૫૮૯૪ કોલ મળ્યા છે. જેમાંથી ૩૨૮૭ જેટલાં ગંભીર પ્રકારના કિસ્સામાં સ્થળ પર અભયમ રેસ્ક્યુ ટીમ સહિત પહોંચીને મહિલાઓનો બચાવ અને મદદરૂપ બન્યું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઇનને તેના મહિલાઓ ને ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવ ની કામગીરી ને દિન પ્રતિદિન વેગ મળી રહ્યો છે. ગુજરાત સરકારની આ અભિનવ હેલ્પલાઇનથી મહિલાઓ સુક્ષિતતા મહેસુસ કરે છે અને મહિલાઓ ની એક સાચી હમદર્દ મિત્ર બની રહી છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લામાં અભયમ દ્વારા ઘરેલુ હિંસાના ૬૨૮૪, શારીરિક સતામણીના ૨૦૦૦, કાયદાકીય ૩૪૦, લગ્નેત્તર સંબધોના વિખવાદોમા ૩૩૭, ટેલિફોનિક પજવણીના ૨૭૩, અન્ય સંબધોમાં વિખવાદ ૨૩૪, ગૃહત્યાગ ૧૭૪, માનસિક તણાવ ૧૧૮, માનસિક અસ્થિર ૨૨, માલ મિલ્કત ઝગડાઓ ૨૭૮, કામના સ્થળે સતામણી ૬૧, સાયબર અંગેના ૧૧, નાણાકીય લેવડદેવડના ૮૪ વગેરે કિસ્સાઓમા અગત્યની કામગીરી કરી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સુરક્ષા સંબધી અગત્યની કામગીરી થકી દાહોદની મહિલાઓનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમા કાર્યરત અભયમ સેવા ગુડ ગવર્નન્સ ક્ષેત્રમાં ઉમદા સેવાઓ આપી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ તેની કામગીરી નમૂનારૂપ બની છે. રાજય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટેકનોલોજીના માધ્યમથી ઝડપી સેવાઓ પુરી પાડી ત્વરિત લોકોના પ્રશ્નોનાં નિકાલ લાવવામાં આવે છે.
અભયમની રાજયમાં શરૂઆત થઇ તે વર્ષ ૨૦૧૫થી દિન પ્રતિદિન મહિલાઓ વિશ્વસનીય રીતે જિલ્લામાં અભયમની મદદ લઇ પોતાના જીવનની સમસ્યાઓ, મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. એ પછી મહિલાઓની શારીરિક, માનસિક કે જાતીય સમસ્યાઓ અને ઘરેલુ હિંસા સહિત અસરકારક કાઉન્સિલિંગ દ્વારા નિરાકરણ લાવી સુખદ સમાધાન કરવામાં આવે છે. ખુબ જ હિંસા અને ત્રાસ ના કિસ્સાઓમાં પોલીસ, મહિલા અને બાળ વિકાસ કચેરી, નારી સંરક્ષણ ગૃહ, મફત કાનૂની સહાય વગેરે વિભાગોની મદદથી મહિલાના પ્રશ્નોને ન્યાય અપાવવા જિલ્લા અભયમ ટીમની કટિબદ્ધતા સરાહનીય છે.

