આદિજાતિ વિકાસ મંડળનું રૂ. એક સો કરોડના ૫૩૨૪ કામોનું આયોજન પ્રભારી મંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત : વિકાસના કામોનું આયોજન બનતી ત્વરાથી થાય અને શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ થાય એવી સૂચના મંત્રીશ્રી ગણપણસિંહ વસાવાએ આપી
ગુજરાત પેટર્ન હેઠળ દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રમાં જનકલ્યાણના કામો કરવા માટે રૂ. એક સો કરોડના ખર્ચથી ૫૩૨૪ કામોનું આયોજન પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સમક્ષ રજૂ કર્યું હતું. આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોનું આયોજન બનતી ત્વરાથી થાય અને શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ થાય એ બાબતની સૂચના મંત્રીશ્રીએ આપી હતી.
પ્રભારી મંત્રી શ્રી વસાવાએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં જનપ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી કોરોનાને કાબૂમાં લાવી શકાયો છે. તબીબો અને આરોગ્યસેનાનીઓના અથાક પ્રયત્નોને પરિણામે દાહોદ જિલ્લા કોરોનાના કહેરથી સંપૂર્ણ મુક્ત થવા જઇ રહ્યો છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, તજજ્ઞો એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંપૂર્ણ શક્યતા છે. હવે કોરોના સામે વ્યક્તિગત સાવચેતી અને વેક્સીન ઇલાજ છે. આદિવાસી સમાજે કોઇ પણ ખોટી વાતોમાં દોરવાયા વિના કે અંદ્ધશ્રદ્ધામાં માન્યા વિના તુરંત રસી મૂકાવી દેવી જોઇએ. જો રસી મૂકાવી હશે તો જ કોરોના વાયરસની ત્રીજી લહેરમાંથી બચી શકાશે.
શ્રી વસાવાએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાની રસી તમામ લોકોને વિનામૂલ્યે આપવાનો નિર્ણય લીધો છે. સમગ્ર વિશ્વમાં ભારત રસી આપવામાં બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૨ કરોડ લોકોએ કોરોના સામેની રસી લઇ લીધી છે. ત્યારે, હવે આદિવાસી વિસ્તારોમાં પણ લોકો રસી મૂકાવે તે હિતાવહ છે.
શ્રી ગણપતસિંહ વસાવએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિવાસી વિસ્તાર પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કાના પાંચ વર્ષમાં એક લાખ કરોડ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાનશ્રી મોદીએ વર્ષ ૨૦૦૭માં આ યોજના શરૂ કરી ત્યારે તેનો હેતું એ હતો કે આદિવાસી વિસ્તારના લોકોના નાનાનાના કામો પાયાના સ્તરે જ આયોજિત થાય અને તેને પ્રભારી મંત્રીશ્રીની કક્ષાએ મંજૂર થાય. આપણે દાહોદમાં રસ્તા, પાણી, વીજળી, સિંચાઇ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સારા કામો કરી શક્યા છીએ.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી બી. ડી. નિનામાએ સમગ્ર આયોજનનું પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.
આ બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી ચંદ્રિકાબેન બારિયા, શ્રી વજુભાઇ પણદા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, એસપી શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.