મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો દાહોદના ૨૨ બાળકોને મળશે લાભ : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ બાળકોને પોતાની ચેમ્બરમાં બેસાડ્યા બાદ મીઠાઇ ખવડાવી અને મંજૂરી પત્રો આપ્યા
કોરોનાકાળમાં નિરાધાર બનેલા બાળકો માટે સહાયરૂપ યોજનાનું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી શ્રી વિજયભાઇ રૂપાણીએ શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાને વર્ચ્યુઅલી લોન્ચ કરતાની સાથે દાહોદ જિલ્લાના ૨૨ બાળકોને આ યોજનાનો લાભ મળતો થયો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાકાળમાં સાવ અનાથ બનેલા બાળકો પ્રત્યે ઋજુતા દાખવી પ્રતિમાસ રૂ. ૪ હજારની આપવાનો નિર્ણય કર્યો છે. બાળકોના ભરણ પોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ અને લોનસહાય આપવાની બાબતોને આવરી લઇ મુખ્યમંત્રી બાળ સેવા યોજના બનાવી છે.
આ યોજનામાં ૧૮ વર્ષ સુધીના બાળકોને કોઇ પણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય લાભ મળશે. અઢાર વર્ષ બાદ બાળકનો અભ્યાસ ચાલુ હોય તો તેમને ૨૧ વર્ષની આયુ સુધી આફ્ટર કેર યોજનાનો લાભ મળશે. વિશેષ બાબત તો એ છે કે, નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય, નિવાસી શાળાઓ, સમરસ-સરકારી હોસ્ટેલ્સમાં અગ્રતાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. બાલિકા પુખ્ય વયની થયા બાદ લગ્નના સમયે તેને કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગની શિષ્યવૃત્તિઓનો લાભ અગ્રતાના ધોરણે મળશે. આ ઉપરાંત સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગ હેઠળના તમામ નિગમોની યોજનાનો લાભ, વિદેશમાં અભ્યાસ માટેની લોન પણ અગ્રતાથી આપવામાં આવશે.
આટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ તથા એનએફએસએ રાશન કાર્ડ પણ આપવામાં આવશે. એક મહત્વની વાત એ છે કે કોરોનાકાળમાં નિરાધાર બનેલા બાળકો માટે દેશમાં કોઇ પણ રાજ્યમાં ન હોય એવી યોજના ગુજરાતે અમલમાં મૂકી છે.
દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના ઝડપથી અમલીકરણ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરાહનીય કદમ ઉઠાવી બાળકોના દસ્તાવેજોની એકત્રીકરણની કામગીરી જાતે કરાઇ છે. જેમાં ૨૨ બાળકોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. તેમને આજથી પ્રતિમાસ રૂ. ૪ હજારની સહાય મળતી થઇ ગઇ છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ તમામ બાળકોને પોતાની ચેમ્બરમાં બેસાડ્યા હતા. બાદમાં બાળકોને મીઠાઇ ખવડાવી તેમના ચહેરા ઉપર સ્મીત લહેરાવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે સહાયના મંજૂરી પત્રોની સાથે શૈક્ષણિક કિટ્સ આપવામાં આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા ઓનલાઇન લોન્ચિંગ કાર્યક્રમમાં દાહોદથી જિલ્લા પંચાયતાના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, ઉપપ્રમુખ શ્રી તથા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, જેજે બોર્ડના શ્રી નરેન્દ્રભાઇ સોની તથા સભ્યો ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. પી. ખાટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડ જોડાયા હતા.