અમિત શાહ મંગળા આરતી કરશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : આજે ૧૪૪મી રથયાત્રાઃ જગતના નાથ નગરચર્યાએ નીકળશે
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૧
ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે નગર ચર્યાએ નીકળતા પહેલાં ભગવાનને સોનાવેશથી સજાવવામાં આવ્યાં. વર્ષમાં ફક્ત એક જ વખત ભગવાન સોનાના વાઘા અને આભૂષણોથી સજ્જ થાય છે. આથી ભક્તો ભગવાનના સોનાવેશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. યજમાન દ્વારા સોનાવેશનું પૂજન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ભગવાનને સોનાવેશ અર્પણ કરવામાં આવ્યાં. ભગવાનના સોનાવેશના સુંદર અને મનોહર દર્શન માટે દૂર – દૂરથી ભક્તો આવ્યાં હતાં. મંદિરના પટાંગણમાં ગજરાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની નગરચર્યાને હવે ગણતરીના જ કલાકો બાકી છે. જેમાં ભક્તો વિના જ નાથની નગરચર્યા યોજાશે. પરંતુ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
આવતી કાલે ૧૨ જુલાઈના રોજ રથયાત્રાના દિવસની વાત કરીએ તો પરોઢિયે ૪ઃ૦૦ વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. ૪ઃ૩૦ વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. સવારના ૫ઃ૩૦ વાગ્યે ભગવાનની આંખો પરથી પાટા ખોલાશે અને પરંપરાગત પૂજા અર્ચના બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓને રથમાં બિરાજમાન કરાશે.
સવારના ૭ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદ વિધિ કરશે અને મંદિરથી રથને પ્રસ્થાન કરાવશે. બપોરે ૧૨થી ૧ વાગ્યા સુધીમાં ત્રણેય રથ નિજ મંદિર પરત ફરશે. ત્યાર બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથ પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરૂપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.
અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં.ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિમાં ભાગ લીધો હતો.જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.