ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કોઓર્ડીનેશન કમિટીની બેઠક સંપન્ન : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની સમીક્ષા કરી
દાહોદ તા.૧૬
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અને રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં સાંસદશ્રીએ લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી કામોનું આયોજન કરવા તથા શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ એન્ડ કો.ઓર્ડીનેશન કમિટીની બેઠકમાં સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, સ્માર્ટ સીટી અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી.
રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે બેઠકમાં યોજનાઓ ઝડપથી કાર્યાન્વિત કરી આટોપવામાં ઉપરાંત ગુણવત્તાભેર કામો કરવા પર ભાર મૂકયો હતો. તેમણે સિંચાઇ યોજનાઓની કામગીરી પણ ત્વરાથી કરવા જણાવ્યું હતું જેથી ખેડૂતો યોગ્ય સમયે તેનો લાભ ઉઠાવી શકે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ, પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણીને લગતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને બન્ને મહાનુભાવોએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય સર્વે શ્રી રમેશભાઇ કટારા, શ્રી વજેસિંગભાઇ પણદા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર, પ્રાયોજના વહીવટદાર શ્રી બી. ડી. નિમાના, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

