સંજેલી તાલુકામાં નાગરિકોને હવેથી મળશે નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રની રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાઓ : રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે સંજેલી ખાતે રૂ. ૩.૫૫ કરોડના ખર્ચે તૈયાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું કર્યું લોકાર્પણ
ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોરની ગ્રાંટમાંથી લીમખેડા અને સીંગવડ તાલુકાને બેઝીક લાઇફ સર્પોટ સીસ્ટમવાળી એમ્બ્યુલન્સ ફાળવાઇ
દાહોદ તા.૧૬
રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે સંજેલી તાલુકામાં રૂ. ૩.૫૫ કરોડને ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના સામુહિક આરોગ્ય કેન્દ્રનું આજે લોકાર્પણ કર્યું છે. આદિવાસી વિસ્તારમાં પ્રત્યેક ૨૦ હજારની વસ્તીએ એક સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે ત્યારે સંજેલી તાલુકાના નાગરિકોને આ કેન્દ્રથી રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઇ છે.
સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રી ખાબડએ દાહોદ જિલ્લામાં નાગરિકોની આરોગ્ય સુવિધાઓમાં સતત વધારો કરવા માટે રાજય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘દાહોદ જિલ્લાએ કોરોના મહામારીનો ખૂબ જ મક્કમતાથી મુકાબલો કર્યો છે. દાહોદ જિલ્લાનાં નાગરિકોની આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય એ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. સંજેલી ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્યકેન્દ્રમાં અદ્યતન આરોગ્ય સુવિધાઓ સાથે તમામ સુવિધાઓ નાગરિકોને પ્રાપ્ત થશે.’
સંજેલી તાલુકાના સંજેલી ગામ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવેલા આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન થીયેટર, એક્ષ રે રૂમ, ઓપીડી માટેના ૪ રૂમ, ઇમરજન્સી રૂમ, ફિઝિયોથેરાપી રૂમ, લેબર રૂમ, લેબોરેટરી રૂમ, ડ્રેસીંગ રૂમ, ૧૦-૧૦ પથારીનો પુરૂષ વોર્ડ તેમજ સ્ત્રી વોર્ડ, ૧૦ પથારીનો જનરલ વોર્ડ, ૫ પથારીનો કેજ્યુઅલ્ટી રૂમ ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમ, આંતરિક સીસી રોડ, બોર વીથ મોટર, કમ્પાઉન્ડ વોલ સહિતની તમામ સુવિધાઓ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઊભી કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૪ પથારીઓમાં ૨૪ કલાક ઓક્સિજન સહિતની સુવિધાઓ કરવામાં આવી છે.
લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોરની ગ્રાન્ટમાંથી રૂ. ૧૯ લાખની એક એવી બે બેઝીક લાઇફ સર્પોટ સીસ્ટમવાળી એમ્બ્યુલન્સ આરોગ્યતંત્રને મળી છે. જેમાં સીંગવડ ખાતે ફાળવાયેલી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહાનુભાવોએ દાતા શ્રી નગીનભાઇ પંચાલ દ્વારા અર્પીત એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલ વાઘેલા, ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.