વડાપ્રધાને છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના અંગે બેઠક કરી : લોકો સાવચેતી રાખે, આપણે ત્રીજી લહેરના દરવાજે ઉભા છીએ : મોદી
ટેસ્ટેડ અને પ્રૂવન મેથડનો ઉપયોગ કરવો જાેઇએ
યુરોપમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, આ આપણા માટે ચેતવણી
છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા આશરે ૮૦ ટકા રાજ્યો મીટિંગમાં સામેલ છે એ ૬ રાજ્યોમાંથી જ નોંધાયા
વડાપ્રધાને આપ્યો નવો મંત્ર, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મુકવા અપીલ
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૬
કોરોનાની ત્રીજી લહેરની આશંકા પહેલા કેન્દ્ર સરકાર સતત રાજ્યોના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક કરીને સ્થિતિનો તકાજાે મેળવી રહ્યા છે. તેના અનુસંધાને શુક્રવારે વડાપ્રધાન મોદીએ ૬ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. યુરોપના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જે આપણા માટે ચિંતાજનક વાત છે. લાંબા સમય સુધી કોરોના રહે તેનાથી નવા વેરિએન્ટનું જાેખમ વધી જાય છે. આ સંજાેગોમાં આપણે તેનાથી બચવું જાેઈએ. આપણે ત્રીજી લહેરની સાવ પાસે ઉભા છીએ માટે સતર્ક રહેવું જાેઈએ.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જાે સ્થિતિ નિયંત્રિત નહીં થાય તો હાલત બેકાબૂ બની જશે. માટે આપણે અત્યારથી જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવાની જરૂર છે. વડાપ્રધાને જણાવ્યું કે, તમામ રાજ્ય સરકારોએ સંકટના આ સમયમાં એક બીજા પાસેથી શીખવાનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાને ગત સપ્તાહે પૂર્વોત્તરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, બીજી લહેર દરમિયાન કેટલાક રાજ્યોએ લોકડાઉન ન કર્યું પરંતુ માઈક્રો કન્ટેનમેન્ટ પર વધુ ધ્યાન આપ્યું જેથી તેઓ સ્થિતિ સંભાળવામાં સફળ રહ્યા.
વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલા આશરે ૮૦ ટકા રાજ્યો મીટિંગમાં સામેલ છે એ ૬ રાજ્યોમાંથી જ નોંધાયા છે. મહારાષ્ટ્ર, કેરળમાં વધી રહેલા કેસ ચિંતાજનક છે કારણ કે આ બધા બીજી લહેરના પહેલાવાળા લક્ષણો છે. આપણે ફરી એક વખત ટેસ્ટ, ટ્રેક અને વેક્સિનની રણનીતિ પર આગળ વધવું પડશે. જ્યાં સંક્રમણ વધારે છે ત્યાં વેક્સિનેશન ખૂબ મહત્વપૂર્ણ છે. ટેસ્ટિંગમાં સૌથી વધારે આરટીપીસીઆર ટેક્નિક પર ભાર આપવાની જરૂર છે. તમામ રાજ્યોમાં આઈસીયુ બેડ્સ, ટેસ્ટિંગ ક્ષમતા વધારવા માટે ફંડ વહેંચવામાં આવી રહ્યું છે. કેન્દ્રએ ૨૩ હજાર કરોડનું ફંડ આપ્યું છે જેનો ઉપયોગ થવો જાેઈએ. સાથે જ ઓક્સિજન પ્લાન્ટને મિશન મોડ અંતર્ગત પૂરા કરવા જાેઈએ.
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સામેલ થયા હતા. બેઠકમાં વડાપ્રધાને બાળકોને કોરોનાથી બચાવવા સંપૂર્ણ તૈયારી કરવી પડશે તેમ પણ કહ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા ૨ સપ્તાહથી યુરોપના દેશોમાં કોરોના વધી રહ્યો છે, અમેરિકામાં પણ કેસ વધી રહ્યા છે. આ આપણા માટે ચેતવણી છે. વડાપ્રધાને સાર્વજનિક જગ્યાઓએ ભીડ વધવાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને તેને રોકવા વિનંતી કરી હતી.