દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાંથી લીમખેડા પોલીસે આંતરરાજ્ય મોટરસાઈકલ ચોરી ગેંગના ૦૮ આરોપીઓને ઝડપી પાડ્યાં : ચોરીની આઠ મોટરસાઈકલો કબજે લઈ રૂા.૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસે મોટરસાઈકલ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના સુત્રધાર સહિત આઠ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દિધાં છે. ઝડપાયેલ આઠ આરોપીઓ પાસેથી ચોરીની કુલ ૦૮ મોટરસાઈકલો કિંમત રૂા.૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી લીમખેડા પોલીસે ગુન્હાનો ભેગ ઉકેલવામાં સફળતા મળેલ છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મોટરસાઈકલ ચોરીની ઘટનાઓમાં ઘરખમ વધારો નોંધાયો હતો. મોટરસાઈકલ ચોર ટોળકી ધોળે દિવસે પણ મોટરસાઈકલોની બિન્દાસ્તપણે ચોરીને અંજામ આપતાં હતાં અને પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતી હતી. મોટરસાઈકલ ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાએ જિલ્લાની તમામ પોલીસને એલર્ટ કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે આ મામલે લીમખેડા પોલીસ પણ એક્શનમાં આવી હતી. ગતરોજ લીમખેડા પોલીસે અલગ અલગ ટીમ બનાવ લીમખેડા પોલીસ હદ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરતી હતી તે સમયે બે મોટરસાઈકલો પર ૦૬ ઈસમો બેસી પસાર થઈ રહ્યાં હતાં અને પોલીસને તેઓની ઉપર શંકા જતાં પોલીસે તેઓને ઉભા રાખી પુછપરછ કરી હતી. પુછપરછમાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં ૦૬ જણાને પોલીસે બંન્ને મોટરસાઈકલ સાથે લીમખેડા પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસ મથકે લાવી પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં ૦૬ જણાએ લીમખેડા, દાહોદ ગ્રામ્ય, વડોદરા, બોડેલી, વલસાડથી મોટરસાઈકલ ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. મોટરસાઈકલ ચોરીમાં અન્ય કઠીવાડાના ઈસમો પણ સામેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું. કઠીવાડા ગામે ચોરીની મોટરસાઈકલો સંતાડી રાખેલ હોવાનું જણાવતાં પોલીસ કઠીવાડા ગામે પહોંચી ગઈ હતી અને ચોરીની કુલ ૦૮ મોટરસાઈકલો જેની કુલ કિંમત રૂા. ૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
લીમખેડા પોલીસે મોટરસાઈકલ ચોરીના ગેંગના સુત્રધાર સહિત ૦૮ ઈસમોની ઝડપી પાડ્યાં છે જેમાં સંદીપભાઈ રામસીંગભાઈ તોમર (રહે,અલીરાજપુર, મધ્યપ્રદેશ), ફકરૂભાઈ શંકરભાઈ બામણીયા (રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ), ગુડો રાયસીંગભાઈ (કઠીવાડા, અલીરાજપુર, મધ્યપ્રદેશ), કરમસીંધ હેડીયાભાઈ બામણીયા (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), જયંતિભાઈ ગુરસીંગભાઈ તોમર (રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ), કડતીયાભાઈ મલસીંગભાઈ તોમર (રહે. કઠીવાડા, અલીરાજપુર, મધ્યપ્રદેશ), નિલેશભાઈ રસીદભાઈ બારીયા (રહે. કઠીવાડા, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને રાયસીંગભાઈ વેસ્તાભાઈ બામણીયા (રહે. કઠીવાડા, અલીરાજપુર, મધ્યપ્રદેશ) નાઓની પોલીસે ધરપકડ કરી હતી.
આ મોટરસાઈકલ ચોરીમાં કુલ ૦૮ સભ્યો છે જેઓ અલગ અલગ શહેરોમાં જઈ રાત્રી દરમ્યાન પાર્ક કરેલ જગ્યાએ રેંકી કરતાં હતાં અને મોટરસાઈકલના લોક તોડી અથવા વાયરો ખોલી મોટરસાઈકલ ડાયરેક્ટર કરી મોટરસાઈકલોની ચોરી કરતાં હતા અને નક્કી કરેલ ચોક્કસ જગ્યાએ ચોરીની મોટરસાઈકલ સંતાડી રાખતા હતાં. આ ગેંગના નક્કીર કરેલ સભ્યો ચોરીની મોટરસાઈખલો વેચવા માટે ગ્રાહકો શોધી નજીવા ભાવે મોટરસાઈકલ વેંચી દેતાં હતાં.