દાહોદ જિલ્લામાં નાનું કુંટુંબ, સુખી કુંટુંબ સૂત્રને કેન્દ્રમાં રાખી યોજાઇ રહ્યાં છે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો
દાહોદ તા.૧૯
વિશ્વમાં વસ્તીની સ્થિરતા લાવવા અને આ અંગે જનતામાં જાગૃતિ લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત તા. ૨૭ જૂન થી ૧૦ જુલાઈ દરમિયાન દાહોદ જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સમગ્ર પખવાડિયા દરમિયાન લોકજાગૃતિ તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજયા હતા. જેમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાની રાહબરીમાં આ કાર્યક્રમો યોજાયા હતા.
જનજાગૃતિ અર્તગત દંપતી સંપર્ક પખવાડિયુ અને જનસખ્યાં સ્થિરતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર દ્વારા પોતપોતાના વિસ્તારમાં આ કાર્યક્રમ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ સાથે કુટુંબ કલ્યાણ પ્રદર્શન, જરૂરતમંદ લાભાર્થીઓને કુટુંબ નિયોજન અંગે માહિતી, આઇઈસી દ્વારા બેનર, પોસ્ટર અને હોન્ડિંગ લોગો, સુત્રો, પ્રદર્શન વગેરે દ્વારા પ્રચાર અને પ્રસારની કામગીરી સરસ રીતે કરાઇ હતી.
ઉક્ત સમયગાળામાં કુટુંબ કલ્યાણ ક્ષેત્રે કાયમી ઓપરેશનમાં સ્ત્રી ઓપરેશન ૩૭ આ ઉપરાંત બિનકાયમી પદ્ધતિઓમાં કોપર ટી ૧૮૬૨ ઓપરેશન, નિરોધ ૧,૩૬,૮૬૦, ઓરલ પીલ્સ ૧૪,૦૧૯, અંતરા ૩૫૨ જેવી કામગીરી એક અભિયાનરૂપે કરવામાં આવી હતી.
આ ઉપરાંત તા. ૧૧ જુલાઈ થી ૨૪ જુલાઈ દરમિયાન લક્ષિત દંપતીઓની કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે પુરૂષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર-એકસઇ/પીપીઆઇયુસીડી, ઓરલ પિલ્સ, છાયા, અંતરા, નિરોધ વગેરે પદ્ધતિઓથી રક્ષિત કરી “નાનું કુટુંબ-સુખી કુટુંબ” નું ધ્યેય લક્ષમાં રાખી વસ્તી નિયત્રણ તેમજ બે બાળકો વચ્ચે અંતર રાખી માતા અને બાળકનું આરોગ્ય સુદ્રઢ થાય તે માટે કુટુંબ કલ્યાણ લક્ષિત સેવાઓ આપવામાં આવી રહી છે.
એક દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂ.૬૦૦૦ ના રાષ્ટ્રીય બચતપત્ર અને બે દિકરી ઉપર નસબંધી કરાવનાર લાભાર્થીને રૂ.૫૦૦૦ના રાષ્ટ્રીય બચતપત્ર આપવામાં આવે છે. પુરૂષ નસબંધી કરાવનારને રૂ. ૨૦૦૦ અને સ્ત્રી નસબંધી કરાવનારને રૂ. ૧૪૦૦ તેમજ પ્રસુતિ બાદ ૭ દિવસમાં કાયમી સ્ત્રી નસબંધી કરાવનારને રૂ.૨૨૦૦ સહાય આપવામાં આવે છે.
પ્રસુતિ બાદ ૪૮ કલાકમાં પીપીઆઇયુસીડી મુકાવાનારને રૂ.૩૦૦ ની સહાય આપવામાં આવે છે. આ વર્ષે ૧૧ જુલાઈ-૨૦૨૧ના રોજ વિશ્વ વસ્તી દિવસનું સૂત્ર “આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી’’ ને લક્ષમાં રાખીને સમગ્ર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
દાહોદ જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડીયાએ વિશ્વ વસ્તી દિવસ પખવાડિયા દરમિયાન તમામ લક્ષિત દંપતીઓ પરિવારની આરોગ્ય સુખાકારી માટે કુટુંબ કલ્યાણ સેવાઓનો લાભ અવશ્ય લે તેવી અપીલ કરી છે.