દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં જુગારના અડ્ડા પર પોલીસની રેડ : બે જુગારીઓને ઝડપી પાડ્યાં : બે જુગારીઓ ફરાર : રોકડા રૂા.૧૦,૧૦૦ની રોકડ કબજે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ૦૪ પૈકી બે જુગારીઓને પોલીસે ઝડપી પાડી જ્યારે બે જણા પોલીસને ચકમો આપી નાસી જતાં પોલીસે સ્થળ પરથી રોકડા રૂપીયા ૧૦,૧૦૦ની રોકડ રકમ કબજે લઈ અન્ય બે જણાના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૧૮મી જુલાઈના રોજ દાહોદ શહેરના ભીલવાડા તળાવ ફળિયા ખાતે મંદિરની આડમાં ખુલ્લી જગ્યામાં વિશાલભાઈ વિનુભાઈ સાંસી (રહે. ભીલવાડા), કિશોરકુમાર રમેશચંદ્ર સીંધી (રહે. શાકરદા, નિશાળ ફળિયું, તા.દાહોદ), અજય ઉર્ફે બોડી કાળીયાભાઈ સાંસી (રહે. મારવાડી ચાલ) અને ગણેશભાઈ નરીયાભાઈ સાંસી (રહે.ભીલવાડા) આ ચારેય જણા પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતાં. આ અંગેની બાતમી દાહોદ શહેર પોલીસને મળતાં પોલીસે આ સ્થળ પર ઓચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ દરમ્યાન અજય ઉર્ફે બોડી કાળીયાભાઈ સાંસી અને ગણેશભાઈ નરીયાભાઈ સાંસી બંન્ને જણા પોલીસને ચકમો આપી નાસી ગયાં હતાં જ્યારે વિશાલભાઈ વિનુભાઈ સાંસી અને કિશોરકુમાર રમેશચંદ્ર સીંધીને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપીયા ૧૦,૧૦૦ની રોકડ રકમ કબજે કરી ઉપરોક્ત ચારેય જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

