દાહોદની સખીમંડળની મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરીને આર્થિક – સામાજિક સમીકરણોમાં લાવી રહી છે પરિવર્તન : વીજમીટર રીડિંગથી આ મહિલાઓ કરે છે મહિને રૂ. ૧૦ હજારથી પણ વધુની કમાણી : બાવકા ગામના પ્રેમીલાબેન જણાવે છે કે શરૂઆતમાં લોકોને વિશ્વાસ જ નહોતો થતો કે મીટર રીડિંગ માટે કોઇ મહિલા આવી છે



દાહોદ તા.૨૦
પુરૂષ આધિપત્ય ધરાવતા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા સાબિત કરી છે. વર્ષોથી જે ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી શકે તેવી આપણે કલ્પના પણ કરી ન હોય તેવા ક્ષેત્રોમાં હવે મહિલાઓ પુરૂષોને બરાબરની ટક્કર આપી રહી છે. પુરૂષોના એકાધિકાર ધરાવતા વીજમીટર રીડિંગના કામમાં રાજય સરકારની પહેલથી દાહોદ જિલ્લાના વિવિધ સખીમંડળની આદિવાસી મહિલાઓ વીજમીટર રીડિંગનું કામ કરી આર્થિક રીતે સ્વનિર્ભર તો બની જ છે, સાથે સમાજના સમીકરણો પણ બદલી રહી છે.
દાહોદ જિલ્લાની ૨૫ સખીમંડળની મહિલાઓ છેલ્લા ત્રણ વર્ષથી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં વીજમીટર રીડિંગની કામગીરી ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે અને મહિને ૧૦ હજારથી વધુનો પગાર મેળવે છે. તેમ કહેતા કાર્યપાલક ઇજનેર શ્રી પંકજ થાનાવાલા કહે છે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ મહિલાઓએ રૂ. ૨૫,૮૦,૭૯૯ નો પગાર કમિશન પેટે મેળવ્યો હતો. એટલે કે ૨૫ લાખથી વધુનો. વીજ કંપની સાથે કામ કરવા જોડાયા બાદ મહિલાઓ નિયમિત પગાર મેળવતા સારી એવી આર્થિક સ્વતંત્રતા હાસલ કરી છે. ઉપરાંત મહિલાઓના દરેક ક્ષેત્રમાં પદાર્પણથી સમાજની અમૂક ધારણાઓમાં ધીમી પણ મક્કમ ગતિથી પરિવર્તન આવી રહ્યું છે તે ચોક્કસ છે.
દાહોદમાં વીજમીટર રીડિંગની કામગીરી કરતી આ મહિલાઓના આર્થિક જીવનમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું છે. આ મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓ તેમના ઘરની મુખ્ય કમાનાર બની છે. એટલું જ નહિ નિયમિત આવકથી તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. તેમના બાળકોના શિક્ષણ માટે પણ તેઓ યોગ્ય રીતે ધ્યાન આપી શકે છે. વીજ કંપનીમાં કામ કરવા માટે લઘુત્તમ લાયકાત ધોરણ ૧૦ કે ૧૨ પાસ છે જયારે આ તમામ મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે એટલે કે મહાવિદ્યાલય સુધી અભ્યાસ કર્યો છે.
દાહોદના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં અટપટા રસ્તાઓવાળા ફળિયાઓમાં ઘરે ઘરે જઇને વીજમીટર રીડિંગનું કામ કરવું સહેલું નથી પરંતુ સખીમંડળની મહિલાઓએ કામને એટલી સરસ રીતે નિભાવ્યું છે કે તેમનું કામ સર્વત્ર પશંસાને પાત્ર બન્યું છે. શિયાળાની કંપકપતી ઠંડી હોય કે ઊનાળાનો ધોમધખતો તાપ કે ધોધમાર વરસાદ આ મહિલાઓએ પોતાના કામમાં કદી પાછી પાની કરી નથી. તેઓ પોતાના ગામ ઉપરાંત આસપાસના ચાર-પાંચ ગામના મીટર રીડીગનું કામ કરી લે છે અને તેમના કામ પ્રમાણે વીજ કંપની દ્વારા દરેક મીટર રીડિંગ ઉપર તેમને રૂ. ૬.૮૮ આપવામાં આવે છે. મહિલાઓ અંદાજે ૧૫૦૦ જેટલા ઘરોના મીટર રીડિંગ દર મહિને કરે છે અને મહિને રૂ. ૧૦ હજાર જેટલી આવક તેમને મળી જાય છે.
દાહોદના રોઝમ ગામના મનિષાબેન ભાભોર જણાવે છે કે, વીજ કંપનીમાં નોકરીથી નિયમિત આવક મળતી થઇ છે. આ કંપનીમાં જોડાયા બાદ મારા પોતાના ઘરનું સપનું પણ સાકાર થયું છે. આ અગાઉ આર્થિક રીતે ઘરની સ્થિતિ ખાસી નબળી હતી અને અમે બાળકોના ભણતર ઉપર ધ્યાન આપી શકતા નહોતા.
વીજમીટર રિડર તરીકેના પોતાના કામના અનુભવ વિશે જણાવતા બાવકા ગામના પ્રેમીલા બામણીયા જણાવે છે કે, શરૂઆતમાં લોકો વિશ્વાસ જ નહોતા કરતા કે વીજમીટર રીડિંગ માટે કોઇ મહિલા આવી છે. તેમને વિશ્વાસ અપાવવો પડતો. આ કામથી અમારા આર્થિક જીવન ઉપરાંત સામાજિક પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. શરૂઆતમાં કેવી રીતે કામ કરી શકીશું તેવી દ્વિધા હતી પરંતુ વીજમીટર રીડિંગ ઉપરાંત તેની સાથે જોડાયેલું કારકુની કામ પણ યોગ્ય રીતે કરી લઇએ છીએ.
દાહોદની મહિલાઓ વીજમીટર રીડિંગના કામથી આર્થિક સ્વતંત્રતા તો મેળવી જ રહી છે સાથે સાથે સામાજિક માન્યતાઓમાં પણ પરિવર્તન લાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!