આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો : ઇરાકમાં ઇદ પહેલાં ISISનો બ્લાસ્ટ : ૩૦ના મોત : ૩૫ ઘાયલ

(જી.એન.એસ.)બગદાદ,તા.૨૦
ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ઈરાકની રાજધાનીમાં મંગળવારે એક બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં ૩૦ લોકોના મૃત્યુ થયા છે. એક ટેલિગ્રામ ગ્રુપ પર પોતાનો મેસેજ મોકલતા આઇએસએ જણાવ્યું કે અબૂ હમજા અલ નામના હુમલાખોરે સોમવારે બગદાદના શહેરમાં ભીડની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. જેમાં ૩૦ લોકોના મૃત્યુ થયા અને ૩૫ લોકો ઘાયલ થયા છે.
એક ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ આ બ્લાસ્ટ બગદાદમાં તાજેતરના વર્ષોમાં થયેલા ભીષણ હુમલાઓમાંથી એક હતો. વિસ્ફોટ પછી પીડિતોના શરીરના હિસ્સા બજારમાં છુટાછવાયેલા પડ્યા હતા. ઈદના કારણે બજારમાં ભારે ભીડ હતી. ઈરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલિહએ ગીચ વસ્તી ધરાવતા શિયા ઉપનગરમાં થયેલા બ્લાસ્ટને ગંભીર ગુનો ગણાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી. મેડિકલ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારાઓમાં આઠ મહિલાઓ અને સાત બાળકો સામેલ છે.
વિસ્ફોટ પછી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયો ફુટેજમાં લોહીથી લથપથ પીડિત અને લોકો ડરીને બૂમો પાડતા દેખાઈ રહ્યાં છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કેટલીક દુકાનોની છત પણ ફાટી ગઈ. એએફપીના પત્રકારોએ કહ્યું કે પાણીની બોટલોથી ભરેલુ રેફ્રિજરેટર લોહથી લથપથ હતુ અને ફળની સાથે ચંપલ જમીન પર વેરવિખેર પડ્યા હતા.
ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર સંધીય પોલિસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ થયો છે. ઈસ્લામિક સ્ટેટ આ પહેલા પણ બગદાદમાં ઘણા બ્લાસ્ટ કરી ચુક્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં ઈસ્લામિક સ્ટેટ સમુહે એક આત્મધાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી. તેમાં ૩૨ લોકોના મૃત્યુ થયા હતા. તે પણ બગદાદના બજારમાં થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: