પેટ્રોલ – ડિઝલ સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.21
દિનપ્રતિદિન પેટ્રોલ – ડીઝલનો વારંવારનો ભાવ વધારો, ખાદ્યતેલ, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં જનચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી તેમજ બળદગાડા દ્વારા શહેરમાં રેલી યોજી દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ જનચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા, ખાદ્યતેલ, દૂધ જેવી જીવનજરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં દાહોદ શહેરમાં ઝાલોદ રોડ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયકલ યાત્રા તેમજ બળદગાડા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોંગ્રેસ કાર્યાલયથી ઝાલોદ રોડ, iti, બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ ચોક, ભગિની સમાજ, યાદગાર ચોક, નગરપાલિકા થઈ દાહોદ પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે યાત્રા પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, છેલ્લા અઢી દાયકા જેટલા સમયથી ભાજપના પ્રજાવિરોધી શાસનમાં ગરીબો અને વંચિતો સહિત સામાન્ય પ્રજાજનોની હાલત અત્યંત કફોડી બની છે. સામાન્ય પ્રજાજનો માટે આજીવિકા તેમજ દૈનિક જીવન ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. દિન – પ્રતિદિન પેટ્રોલ – ડીઝલ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનાં અસહ્ય ભાવ વધારાને લીધે ગુજરાતના પ્રજાજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સરકારની ખોટી નીતિ – રીતિના કારણે પેટ્રોલ – ડીઝલ ખાતર તેલ તથા ગેસની બોટલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો અસહ્ય ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના મહામારીની વચ્ચે પણ આ ભાવ વધારો ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાંખે છે. ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે. પ્રજાજનો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ 100 રૂપિયાની સપાટી પાર કરી ગઇ છે. કરિયાણા તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આવા ભાવ ઘટાડવા યોગ્ય પગલાં લઈ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત સાથે દાહોદ પ્રાંત અધિકારીને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.