દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભુવેરા ગામના ચકચારી બનાવથી ફરી ખળભળાટ મચ્યો : ભુવેરા ગામમાં બે સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં ૧૫થી વધુ ઈસમોએ સગીરાઓ અને તેમના પરિવારજનોને માર મારતો વિડીર્યોના આધારે પોલીસમાં ૧૫ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
ધાનપુર તાલુકાના ભુવેરા ગામે ફરીવાર ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે સગીર બાળાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં અને મોબાઈલ ફોનથી વાતચીત કરતાં બંન્ને સગીરાઓ નજરે પડતાં ગામમાંજ રહેતાં ૧૫થી વધુ લોકોના ટોળાએ બંન્ને સગીરાઓ તથા તેમના પરિવારજનોને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી અપમાનિત કરી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, આ બનાવ આજથી એક માસ પહેલા બનવા પામ્યો હતો અને આ ઘટનાનો પણ વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયો હતો પરંતુ જે તે સમયે આ ઘટનાનો અવાજ ન ઉઠાવતાં આરોપીઓએ ફરીવાર સગીરાઓના ઘરે જઈ ધિંગાણું મચાવ્યું હતું અને આખરે આરોપીઓના ત્રાસથી વાજ આવેલ પરિવારજનો દ્વારા પોલીસ મથકે દોડી જઈ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૨૫મી જુનના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય અને ૧૬ વર્ષીય સગીરા એમ આ બંન્ને સગીરાઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં અને બંન્ને સગીરાઓ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતાં પકડાઈ જતાં ધાનપુર તાલુકાના ભુવેરા તથા અલિન્દ્રા ગામે રહેતાં સોમાભાઈ દલસીંગભાઈ ડામોર, કબાભાઈ સીમળીયાભાઈ ડામોર, બદીયાભાઈ રૂમાલભાઈ ડામોર, દિનેશભાઈ કબાભાઈ ડામોર, બાબુભાઈ મુળસીંગભાઈ ડામોર, રમણભાઈ સોમાભાઈ ડામોર, રમેશભાઈ સામસીંગબાઈ ડામોર, પીસાભાઈ શનીયાભાઈ ડામોર, સીમાભાઈ બચુભાઈ ડામોર, ભારતભાઈ સોમાભાઈ ડામોર, શૈલેષભાઈ બાદરભાઈ ડામોર, તેરીયાભાઈ સામસીંગભાઈ ડામોર, અનીલભાઈ પરસુભાઈ ડામોર, રાજનભાઈ પુનીયાભાઈ પરમાર અને મનીષભાઈ રસુભાઈ પરમારનાઓએ આ બંન્ને સગીરાને પકડી પાડી તેઓને તથા તેઓના પરિવારજનોને બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને એક માસ જેટલો સમય વિતી ગયાં બાદ પણ જે તે સમયે ફરિયાદ નોંધાઈ ન હતી અને આ ઘટનાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ઉપરોક્ત ઈસમો દ્વારા અવાર નવાર સગીરાઓ અને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતાં હતાં ત્યારે વાઈરલ વિડીયોના આધારે પોલીસે વિડીયોમાં દ્રષ્ટિમાન થતાં ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે અને ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યાં છે.
આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ધાનપુર પોલીસ મથકે ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.