ગ્રામ પંચાયતને મેલેરિયાથી ગ્રામજનોને બચાવવા તમામ સાવચેતીના પગલા લેવાનું જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર : જીવલેણ મેલેરિયાને જડમૂળથી નાબૂદ કરવાના કારગર ઉપાયો
દાહોદ તા.૨૮
મેલેરિયા એક જીવલેણ રોગ છે. આ રોગ ફેલાવતા મચ્છરોની ઉત્પતિ અટકાવીને મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, હાથીપગા, એનકેફેલાઇટીસ જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે. ગામની સફાઈ, સ્વચ્છતા, ચેપી રોગ અટકાવવા કચરો અને ગંદકી તેમજ પાણીનો યોગ્ય નિકાલ કરવો, ગામનું વાતાવરણ આરોગ્યપ્રદ રાખવાની મહત્વની જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચની છે ત્યારે મેલેરિયાનો રોગચાળો પોતાના ગામમાં ન થાય તે માટે પંચાયતે સાવચેતીના તમામ પગલા સક્રિય રીતે હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું છે.
ગામમાં રહેલા મેલેરીયાના જીવાણુંઓને નાશ કરવો અને મચ્છરની ઉત્પતિ અટકાવવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ઘણી અગત્યની ભૂમિકા છે. ગામમાં રહેલા મેલેરીયાના જીવાણુંઓને દુર કરવા દરેક ગામે તાવ સારવાર કેન્દ્ર, દવા વિતરણ કેન્દ્ર હોવું જરૂરી છે. જેથી તાવના સમયેજ યોગ્ય સારવાર દર્દીને મળી રહે આ માટે દરેક ગામ ખાતે રાખેલ આરોગ્ય મિત્ર ,આશા વર્કર તથા અન્યને કામગીરી સોપી મદદ લઇ શકાય છે.
ગામમાં ગ્રામ પંચાયતની આરોગ્ય સમિતિને કાર્યરત થઇ મેલેરિયા નિયંત્રણ માટેના પગલા ભરવા માટે ગામમાં સેવાભાવી માણસ મારફતે તાવ સારવાર કેન્દ્ર ખોલવાની વ્યવસ્થા કરવી જોઇએ. જે ગામમાં જંતુનાશક દવા છંટકાવ માટેનું આયોજન થયેલ હોય તેવા ગામના ધરોમાં ૧૦૦ ટકા છંટકાવ કરવામાં મદદ કરવી. લોકોમાં આ રોગ વિશે જાણકારી વધે તે માટે રોગ જાગૃતિ સુત્રો ગામ ખાતે લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળે વાંચી શકાય તે રીતે લગાવવા. આપના ગામ ખાતે ટાયરો તથા નકામાં પાણી ભરાઈ રહે તેવી વસ્તુઓને નાશ કરાવશો. અથવા પાણી ન ભરાય માટે શેડ નીચે મુકાવશો. આપના ગામમાં દરેક વ્યક્તિ સુતી વેળાએ મહત્તમ મચ્છરદાનીનો ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરવા જોઇએ તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૌ સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને જણાવ્યુ છે.
જીવલેણ મેલેરિયાને જડમૂળથી નાબૂદ કરવા માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી અતિત ડામોર જણાવે છે. મચ્છરનું જીવનચક્ર પાણી સાથે સીધો સબંધ ધરાવે છે. અને પોતાના જીવનના ચારમાંથી ત્રણ તબક્કાઓ પાણીમાં વિતાવે છે. અને તે સમયે તેનો નાશ કરવો ધણો સરળ થઇ પડે છે. ઈંડામાંથી એક થી બે દિવસમાં ઈયળ (સામાન્ય રીતે પાણી પોરા તરીકે ઓળખીએ છીએ) તૈયાર થાય છે. આ ઈયળની ચાર અવસ્થામાંથી પસાર થઇ ઈયળમાંથી કોસેટો બને છે. આ ત્રણેય અવસ્થા પાણીમાં હોય છે ત્યાર બાદ કોસેટોમાંથી બે-ત્રણ દિવસમાં પુખ્ત મચ્છર બને છે. આ રીતે પુખ્ત મચ્છર થતાં ૭ થી ૧૨ દિવસ નો સમય લાગે છે. પ્રથમ ત્રણ તબક્કા દરમ્યાન જો પગલા ભરવામાં આવે તો મચ્છરની ઉત્પતિ રોકી શકાય છે.
મેલેરિયા ડેન્ગ્યું જેમાં રોગો ફેલાવતા મચ્છરો ચોખ્ખા પરંતુ એકઠાં થયેલ પાણીમાં જ ઉત્પન્ન થાય છે. જેથી પાણી એકઠું થવા ન દેવું જોઈએ. પાણી વહેતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પાણીની કોડીમાં ડબ્બામાં કે ટાંકીમાં કે અન્ય પાણી ભરવાના સાધનોમાં ભરી રાખેલ પાણીને અઠવાડિયામાં એકવાર ખાલી કરી નાંખી પાત્રને ધસીને સાફ કરી સુકવીને પછી જ પાણી ભરવું જોઈએ. ઈયળ-પાણી પોરા દેખાય તો પાણી ગાળી લઈને કે ઢોળી દઈ બરાબર સાફ કરી સુકવીને પછી જ પાણી ભરવું જોઈએ.
પાણી ભરાઈ રહેતા બિનઉપયોગી ખાડા, ખાબોચિયા, માટી પુરાણ કરી દેવા જોઈએ. ગટર કે નાળાનું પાણી વહેવડાવી દેવું જોઈએ. પીવાના પાણીના કુવા, હેન્ડ પંપની આજુ-બાજુ પાણી એકઠું થવા ન દેવું જોઈએ. યોગ્ય વ્યવસ્થા કરી પાણી વહી જાય અને સુકાય જાય તેવી વ્યવસ્થા ગોઠવણી જોઈએ. જ્યાં પાણી વહેવડાવી શકાય તેમ ન હોય ત્યાં કેરોસીન, બળેલું ઓઈલ રેડી લેયર તૈયાર કરવું, જેથી ઈયળોનો નાશ કરી શકાય અને ધર તેમજ ગામને મચ્છર મુક્ત કરી શકાય અને મચ્છર થી ફેલાતા જીવલેણ રોગોનો ફેલાવો અટકાવી શકાય.
મોટા ખાડાઓ, તળાવો વગેરે માં મચ્છર ઉત્પતિ રોકવા પોરાભક્ષક માછલી (ગપ્પી તથા ગંબુશિયા) મુકાવવી જે મચ્છરની ઈયળો ખાય જાય છે. અને જેના દ્વારા મચ્છરની ઉત્પતિ નિયંત્રિત કરી શકાય છે. આ રીતે મચ્છરની ધનતા ધટાડી મનુષ્ય અને મચ્છરોનો સંપર્ક ધટાડી મચ્છર થી ફેલાતાં રોગોનું નિયંત્રણ કરી દેશને મેલેરીયામુક્ત બનાવીએ.