દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને બગોદરાથી એક ફોન આવ્યો ને મનોવ્યથિત યુવતિનો પરિવાર સાથે મેળાપ થયો : દાહોદની લઢણથી વાતચિત કરતી યુવતીનું વતન મહારાષ્ટ્ર નીકળ્યું અને બગોદરાથી સંસ્થાએ યુવતીને અઢી વર્ષ બાદ પરિવાર સાથે મેળાપ કરાવ્યો
થોડા દિવસ પહેલા દાહોદના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને બગોદરાથી એક વ્યક્તિનો ફોન આવ્યો ને કહ્યું સાહેબ અમારે ત્યાં એક મનોવ્યથિત યુવતી છે અને હાલમાં જ વાતચિત કરતી થઇ છે. તેમની વાતચિત ઉ૫રથી દાહોદ આસપાસની હોય એવું લાગે છે. તપાસ થઇ શકતી હોય તો કરવા એ વ્યક્તિએ વિનંતી કરી. તેમના આ એક ફોનકોલ અને એક અઠવાડિયાની મહેનત બાદ આખરે એ યુવતીનો પરિવાર સાથે મેળાપ થયો.
દાહોદ જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતાની પરિચાયક આ ઘટના રસપ્રદ છે. ગત્ત તારીખ ૩૧-૫-૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાથી કોઇએ મહિલા સુરક્ષા માટેની હેલ્પલાઇન ૧૮૧ અભયમ્ ઉપર ફોન કર્યો અને કહ્યું કે અહીં કે એક મનોવ્યથિત યુવતી નોધારી ભટકે છે. બાદ આ યુવતીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ખાતેની સ્વૈચ્છિક સંસ્થા માનવ મંદિર સેવા પરિવાર ખાતે ખસેડવામાં આવી છે.
આ યુવતી સાવ વ્યથિત અવસ્થામાં હતી. કશુ બોલતી નહોતી. બસ બધાની સામે જોયા જ કરે. બગોદરા ખાતે તેમના અઢી વર્ષના અંતેવાસ દરમિયાન સંસ્થાના શ્રી દિનેશભાઇ લાઠિયા દ્વારા તેમની માનસિક રોગની સારવાર કરાવવામાં આવી. આમ છતાં, યુવતી કશું બોલતી નહોતી.
એકાદ પખવાડિયા પૂર્વે આ યુવતી થોડુંથોડું બોલતી થઇ. એટલે સંસ્થાના સેવકોએ નિષ્ણાંતોની મદદથી તેમની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. જેમા તેમણે પોતાનું નામ ગીતા હોવાનું કહ્યું અને બહુ જ અસ્પષ્ટ ભાષામાં પોતાના ગામના બેત્રણ નામ કહ્યા. તેમની ભાષા ઉપરથી શ્રી લાઠિયાને એવું લાગ્યું કે ગીતાનું વતન દાહોદ આસપાસ હોવું જોઇએ. ગીતા જે ગામોનું નામ કહેતી હતી તેમાં એક કલમાડી હતું. એટલે તેમણે દાહોદ ફોન કર્યો.
ફોનનો તુરંત પ્રત્યુત્તર આપી કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા બાળસુરક્ષા કચેરીને ઉક્ત બાબતની જાણકારી મેળવવા માટે કહ્યું. એથી બાળ સુરક્ષા એકમે પ્રથમ તો રતલામમાં સંપર્ક કર્યો. રતલામ પાસેના ગામનું નામ કરમદી હતું. પણ, ત્યાંથી એવી માહિતી મળી કે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પણ આવું એક ગામ છે. અંતે ગીતાનું ગામ પણ નંદુરબારનું કલમાડી નીકળ્યું.
ગામ અંગેની તપાસમાં એવી પણ માહિતી મળી કે ગીતાના પિતા સુધામભાઇ પણ તેમની ગુજરાતમાં શોધખોળ માટે આવ્યા હતા. તેવામાં કોરોનાકાળમાં તેમનું અવસાન થયું. કેવી કરુણતા ! એક તરફ પુત્રી માનસિક ક્ષુધબુધ અવસ્થામાં લાપત્તા અને બીજી તરફ પિતાનું અવસાન.
ઉક્ત માહિતી શ્રી લાઠિયાને આપવામાં આવી. માનસ સેવા મંદિરના કાર્યકરો વાહન લઇને નંદુરબાર ખાતે પહોંચ્યા અને ગીતાનો અંતે તેમના પરિવાર સાથે મેળવા કરાવ્યો. આ મેળાપમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર નિમિત્ત બન્યું.

