મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત : જ્ઞાનશક્તિ દિવસે દાહોદની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
દાહોદ, તા. ૧
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજ રોજ જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે દાહોદની એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દાહોદ નગરપાલિકા પ્રમુખ શ્રી રીનાબેન પંચાલ અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દાહોદ નગરપાલિકાના પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે રાજય આફતભર્યા સમયમાં પણ સતત પ્રગતિના પંથે છે તે મુખ્યમંત્રીશ્રીના ર્નિણાયક નેતૃત્વ અને જનહિતલક્ષી નિર્ણયોને જ આભારી છે. આ પાંચ વર્ષમાં દાહોદ જિલ્લાએ પણ ઘણાં ક્ષેત્રોમાં સફળતાના નવા શિખરો સર કર્યા છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ તેમજ ટેકનીકલ શિક્ષણમાં વિકાસના નવા આયામો ઉમેરાતા રહ્યાં છે. આજે દાહોદના વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડતા જોઇ શકાય છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સુશ્રી પંચાલે સરકારની શિક્ષણ ક્ષેત્રની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે મહાવિદ્યાલયોના આચાર્યશ્રીઓએ સેમીનાર-કેમ્પસ કરીને વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવી જોઇએ તેવું સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, શિક્ષણએ રાજય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે એટલા માટે જ પ્રથમ દિવસ જ્ઞાનશક્તિ દિવસ તરીકે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ પ્રસંગે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં શિક્ષણ એ મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે એક અગત્યની પ્રાથમિકતા છે અને જિલ્લામાં વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે એ માટેની તમામ સુવિધાઓ નિશ્ચિંત કરવામાં આવી છે. રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી વિદ્યાર્થીઓ સામર્થવાન બને અને ઉમદા કારકિર્દી ઘડે એ માટે વહીવટીતંત્ર સતત પ્રયાસરત છે.
આ અવસરે તેજસ્વી વિદ્યાર્થીઓને રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવી હતી. જેમાં ૫ વિદ્યાર્થીઓને નમો ઇ ટેબ્લેટ, ૯ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શોધ યોજના તેમજ ૮ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવંલબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી એમ.એમ. ગણાસવા, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના આચાર્ય ડો. પી.કે. બ્રહ્મભટ્ટ, ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના આચાર્ય શ્રી આર.એમ. પટેલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.