પોલીસે બે સંદિગ્ધોની અટકાયત કરી : મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા
(જી.એન.એસ.)મુંબઇ,તા.૭
મુંબઈ પોલીસને મહાનાયક અમિતાભ બચ્ચન તેમજ છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિતના ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બ પ્લાન્ટ કરાયાનો ફોન આવતા ખળભળાટ મચી ગયો હતો. જાે કે તપાસ કરાતા આ અફવા સાબિત થઈ હતી અને પોલીસે ઠાણેમાંથી બે લોકોની અટકાયત કરી લીધી હોવાનું જણાવ્યું છે. બે સંદિગ્ધોની અટકાયત કરાઈ છે તે પૈકી એક ટ્રક ડ્રાઈવર હોવાનું માલુમ પડ્યું છે અને તેણે જ ફોન કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રે ૯.૪૫ કલાકે તેમને કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર શખ્સે સીએસટી, ભાયખલ્લા, દાદર રેલવે સ્ટેશન તેમજ મહાનાયક અમિતાભ બચ્ચનના જૂહુ સ્થિત બંગ્લાની બહાર બોમ્બ મુકવામાં આવ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ વાતને ગંભીરતાથી લેતા સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું પરંતુ ચારેય સ્થળોએ કંઈ જ મળ્યું નહતું. બોમ્બ પ્લાન્ટ કર્યાનો ફોન આવ્યા બાદ રાજ્ય રેલવે પોલીસ, આરપીએફ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી પરંતુ વિસ્તૃત તપાસ બાદ કંઈજ નહીં મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધ હતો.
પોલીસ કંટ્રોલમાં ફોન કરનારનો મોબાઈલને ટ્રેક કરવામાં આવતા તેનું લોકેશન ઠાણેના મુંબ્રા નજીક શિલ ફાટા નજીક મળ્યું હતું. ફોન કરનાર વ્યક્તિ મરાઠવાડા વિસ્તારનો ટ્રક ડ્રાઈવર હોવાનું જણાયું હતું. તેની સાથે અન્ય એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.