લોકસભાની કામગીરી બે દિવસ વહેલી અટોપી લેવાઇ : લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત : રાજ્યસભામાં નાયડુ ભાવુક થયા


સંસદમાં થયેલા હોબાળાનો ઉલ્લેખ કરી વેંકૈયા નાયડુ રડી પડ્યાઃ નિંદા માટે શબ્દો નથી, સંસદ દેશના લોકતંત્રનું મંદિર છે, સંસદની પરંપરાઓને તોડવાની જાણે હરિફાઇ લાગી છે, લોકતંત્રમાં મંદિરનું અપમાન થતા આખી રાત ઉંઘી નથી શક્યો
ચોમાસુ સત્રમાં માત્ર ૨૧ કલાક ચાલી લોકસભા, ૨૨ ટકા થયું કામ, ૭૪ કલાક કામકાજ ન થઇ શક્યુઃ ઓમ બિરલા
હંગામા કરનારા સાંસદો પર કાર્યવાહીનો ખતરો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૧
સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળા વચ્ચે સત્રના કામકાજમાં વિઘ્ન પડતું રહ્યું અને માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, ૧૭મી લોકસભાની છઠ્ઠી બેઠક ૧૯ જુલાઈ ૨૦૨૧થી શરૂ થઈ અને આ દરમિયાન ૧૭ બેઠકોમાં ૨૧ કલાક ૧૪ મિનિટનું કામકાજ થયું. તેમણે કહ્યું કે ગૃહમાં કામકાજ અપેક્ષા પ્રમાણે રહ્યું નથી.
બિરલાએ જણાવ્યુ કે, વિક્ષેપોને કારણે ૯૬ કલાકમાંથી આશરે ૭૪ કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સતત વિઘ્નને કારણે માત્ર ૨૨ ટકા કામ થઈ શક્યું છે.
તેમણે કહ્યું કે, આ સત્ર દરમિયાન બંધારણ (૧૨૭મું સંશોધન) બિલ સહિત કુલ ૨૦ બિલ પાસ કરવામાં આવ્યા છે. બિરલાએ જણાવ્યુ કે ચોમાસુ સત્ર દરમિયાન ૬૬ તારાંકિત પ્રશ્નોના મૌખિક ઉત્તર આપવામાં આવ્યા અને સભ્યોએ નિયમ ૩૭૭ હેઠળ ૩૩૧ મામલા ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ દરમિયાન વિભિન્ન સ્થાયી સમિતિઓએ ૬૦ ટકા રિપોર્ટ પ્રસ્તુત કર્યા, ૨૨ મંત્રીઓએ વ્યક્તવ્ય આપ્યા અને મોટી સંખ્યામાં પત્ર સભા પટલ પર રાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન ઘણા નાણાકીય અને કાયદાકીય કામો હાથ ધરવામાં આવ્યા હતા.
બીજી તરફ રાજ્યસભામાં ચેરમેન એમ. વેંકૈયા નાયડૂએ મંગળવારના થયેલા હોબાળા પર દુઃખ વ્યક્ત કર્યું. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા, સાથે જ વિપક્ષના સાંસદ આ દરમિયાન નારેબાજી કરતા રહ્યા. વેંકૈયા નાયડૂએ આ દરમિયાન કહ્યું કે, સદનમાં જે થયું તે લોકશાહી માટે શરમજનક છે. નાયડૂએ આખા સત્રમાં વિપક્ષના વલણને લઈને પોતાની વેદના જાહેર કરી. તેમણે કહ્યું કે, “જ્યારે કેટલાક સભ્યો ટેબલ પર આવ્યા તો ગૃહની ગરિમાને ઠેંસ પહોંચી અને હું આખી રાત ઊંઘી ના શક્યો.” કહેવામાં આવી રહ્યું છે કે સભાપતિ કાલે સંસદમાં હોબાળો કરનારા વિપક્ષી સાંસદોની વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સૂત્રો પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ, સદનના નેતા પીયૂષ ગોયલ અને અન્ય બીજેપી સાંસદોએ આજે સવારે વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરી હતી. વેંકૈયા નાયડૂએ ગઈકાલની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કાલે જે પણ સદનમાં થયું તેની નિંદા કરવા માટે તેમની પાસે શબ્દ નથી. સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંદિર હોય છે અને આની પવિત્રતા પર આંચ ના આવવી જાેઇએ. તેમણે કહ્યું કે, “હું ઘણા દુઃખ સાથે એ કહેવા માટે ઉભો થયો છું કે આ ગૃહની ગરિમા જે રીતે ભંગ કરવામાં આવી અને એ પણ હરિફાઈની ભાવનાથી એ ઘણું જ ચિંતાજનક છે. મંદિર, મસ્જિદ, ગુરૂદ્વાર જેવા અલગ-અલગ ધર્મના પવિત્ર સ્થળ છે, એ જ રીતે દેશના લોકશાહીનું મંદિર છે આપણી સંસદ. ટેબલ એરિયા જ્યાં મહાસચિવ અને પીઠાસીન પદાધિકારી બેસે છે, તેને સદનનું ગર્ભગૃહ મનાય છે.”
નાયડૂએ હોબાળાનો સંદર્ભ આપતા કહ્યું કે, સભ્ય સરકારને પોતાની માંગને લઈને બાધ્ય ના કરી શકે. સભાપતિ પોતાની વાત કહી રહ્યા હતા એ દરમિયાન વિપક્ષી સભ્યોએ પોતા-પોતાના મુદ્દાઓ પર ચર્ચાની માંગને લઈને હોબાળો શરૂ કરી દીધો. હોબાળાના કારણે સભાપતિએ બેઠક શરૂ થયાની લગભગ ૫ મિનિટ બાદ જ કાર્યવાહી બપોર ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ઉચ્ચ સદનમાં હંગામા કરનારા સાંસદો વિરૂદ્ધ કાર્યવાહી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!