કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની આગામી તહેવારોમાં નાગરિકોને સ્વયંશિસ્ત દાખવવાની અપીલ : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લેતાં દશામાની મૂર્તિ વિર્સજન ઘરે જ કરવા તેમજ મહોરમની ઉજવણી પણ ઘરે રહીને કરવા અપીલ
દાહોદ તા.૧૧
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે એક સયુક્ત નિવેદનમાં દશામાંના મૂર્તિ વિર્સજન અને મહોરમનાં તહેવારો અનુસંધાને પ્રજાજોગ અપીલ કરતા જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હોય આ તહેવારોની ઉજવણી ઘરે રહીને જ કરવી. આ તહેવારો સંદર્ભે કોઇ જાહેર સભા-સરઘસ, મેળાવડા કે રેલી કરવી નહી તેમજ કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખીને જ તમામ તહેવારો ઉજવવા તેમણે અપીલ કરી છે.
તેમણે આ તહેવારો સંદર્ભે અપીલ કરતા જણાવ્યું છે કે, નાગરિકો કોરોનાની ત્રીજી લહેરની શકયતાને ધ્યાને રાખીને આગામી તહેવારોમાં સ્વયંશિસ્ત દાખવે. દશામાંનું મૂર્તિ વિર્સજન કોઇ જાહેર સ્થળે કરવાનું નથી. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ઘરે જ મૂર્તિ વિર્સજન કરવામાં આવે તે વધુ યોગ્ય છે.
મહોરમમાં પણ તાજીયા ઠંડા કરવાનું પણ પોતાના વિસ્તાર કે ફળિયામાં કોરોનાની તમામ સાવચેતીઓ માસ્ક-સામાજિક અંતર સહિતની બાબતોનું ચુસ્ત પાલન કરીને કરવાનું રહેશે. આગામી સમયમાં ત્રીજી લહેરની શકયતા હોય આગામી તહેવારો નાગરિકો સ્વયંશિસ્ત સાથે ઉજવે. બને ત્યાં સુધી ઘરે જ રહે અને જાહેર સ્થળોએ મેળાવડા કે ભીડભાડ ન કરે તે જરૂરી છે.