૩૧મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉજવણી કરવામાં આવી
દાહોદ તા.૩૧
આજરોજ ૩૧મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દાહોદ શહેરમાં જનજાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં દાહોદ જિલ્લા કલેક્ટર,દાહોદ જિલ્લા વિકાસ અધિકારી વિગેરે અધિકારીઓ તેમજ કર્મચારીઓ રેલીમાં જાડાયા હતા.
તમાકુના સેવનથી દુર રહેવા તેમજ તેના સેવનથી થતાં ગંભીર જીવલેણ રોગો વિશે માહિતી પુરી પાડવા તેમજ લોકોમાં જનજાગૃતિ ફેલાય તેવા શુભ આશયથી આજરોજ ૩૧મી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલી સવારે ૦૮.૦૦ કલાકે તાલુકા શાળા,દાહોદ ખાતેથી પ્રસ્થાન કરી હતી. રેલીમાં દાહોદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલિસ અધિક્ષક તેમજ સરકાર કર્મચારીઓ મોટી સંખ્યામાં જાડાયા હતા. રેલીમાં તમાકુ નિષેધ સાથેના બેનરો સાથે રેલી શહેરના યાદગાર ચોક, નગરપાલિકા, અનાજ માર્કેટ, મંડાવ ચોકડી થી પ્રસંગ પાર્ટી ખાતે રેલીની પુર્ણાહુતિ થઈ હતી.