દાહોદ એપીએમસી માર્કેટ ખાતે એક પીકઅપ ગાડીના ચાલકે મજુરને અડફેટમાં લેતાં ઘટના સ્થળ પરજ મજુરનું કમકમાટી ભર્યું મોત : પરિવારમાં માતમ છવાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં આવેલ એપીએમસી માર્કેટમાં ભરબપોરે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં એક મજુરનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. એક પીકઅપ ગાડીના ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં મજુરોને અડફેટમાં લેતાં એક મજુર ગાડી અને દિવાલ વચ્ચે આવી જતાં મોત નીપજ્યું હતું જ્યારે બે મજુરોને શરીરે ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ભરચક એવા દાહોદ એપીએમસી માર્કેટમાં કરૂણાંતિકા છવાઈ ગઈ હતી. દાહોદ એપીએમસીમાં સવારથી મજુરો રોજીરોટી કમાવવા ઉમટી પડે છે અને ગાડીઓમાંથી માલસામાન વિગેરે ઉતારી પોતાનું ગુજરાન ચલાવે છે. દાહોદ એપીએમસીમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મજુરો આવતાં હોય છે ત્યારે આ વિસ્તારમાં કેટલાંક મજુરો ઉભા હતાં તેવામાં એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉભેલા મજુરોને અડફેટમાં લીધાં હતાં જેમાં એક મજુર ગાડી અને દિવાલ વચ્ચે આવી જતાં તેનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ એપીએમસીના લોકોને થતાં લોકટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. જાેતજાેતામાં પોલીસ પણ આવી ગઈ હતી અને મૃતકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ પણ એપીએમસી માર્કેટ ખાતે દોડી આવતાં ઘટના સ્થળ પર પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
સમગ્ર મામલે દાહોદ શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી તપાસ આરંભી છે.