દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામેથી એલ.સી.બી. પોલીસે એક પીકઅપ ગાડીમાંથી રૂા.૩.૪૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : પાયલોટીંગ કરી રહેલ વધુ એક ગાડી પણ કબજે કરાઈ : બે જણાની અટક
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામેથી એલ.સી.બી. પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર ગાડી અને તેની સાથે પાયલોટીંગ કરી રહેલ ઈકો ફોર વ્હીલર ગાડી એમ બંન્ને વાહનોનો ફિલ્મી ઢબે પીછો કરી પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૨૬૭૬ કિંમત રૂા.૩,૪૪,૪૬૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે જણાની અટકાયત કરી છે જ્યારે અન્ય પોલીસને જાેઈ ભાગી છુટેલા ચાર ઈસમો વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડા તાલુકાના પાણીયા ગામે વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી અને તેની પાઈલોટીંગ કરી રહેલ અન્ય એક ઈકો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બંન્ને ગાડીઓનો ફિલ્મી ઢબે પીછો કરી બન્ને ગાડીઓને ઝડપી પાડી હતી. બંન્ને ગાડીમાં સવાર ભાવેન્દ્રભાઈ કમલેશભાઈ બબેરીયા (રહે. વડબારા, માતા ફળિયું, તા.જિ.દાહોદ) અને સુરેશભાઈ રમણભાઈ વહોનીયા (રહે. કઠલા) બંન્નેની અટકાયત કરી પીકઅપ ફોર વ્હીલર ગાડીની દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસ હાથ ધરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની અને બીયરની કુલ બોટલો નંગ. ૨૬૭૬ કિંમત રૂા.૩,૪૪,૪૬૦નો પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસને જાેઈ બંન્ને ગાડીઓમાં સવાર અન્ય રણજીતભાઈ સીટુભાઈ નીનામા (રહે.વડબારા, સરપંચ ફળિયું), રાજુભાઈ રૂપાભાઈ મેડા (રહે.ખંગેલા, તા.જિ.દાહોદ), સલમાન ખાન ઉર્ફે સલીમ અલીયારખાન પઠાન (રહે. રેલ્વે સ્ટેશન સામે, સીંગલ ફળિયું, ગોધરા, તા.ગોધરા, જિ.પંચમહાલ) અને દિનેશભાઈ રૂપસીંગભાઈ બારીયા (રહે.વડબારા,તા.જિ.દાહોદ) નાઓ પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં હતાં.
આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

