શહેરના ઝાલોદ રોડ સ્થિત રાંધણ ગેસની અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન લીકેજ થતાં વિસ્તારમાં દોડધામ મચી
દાહોદ તા.૦૧
દાહોદ શહેરના ઝાલોદ રોડ સ્થિત રાંધણ ગેસની અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન લીકેજ થતાં વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ બાબતની જાણ લાગતા વળગતા તંત્રને થતાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગેસની પાઈપ લાઈનનો પ્રવાહ બંધ કરી તરત રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આજરોજ સવારના નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ઝાલોદ રોડ સ્થિત અંડરબ્રીજની પાસે ગોદી રોડ તરફ જતી રાંધણગેસની પાઈપ લાઈનમાં અગમ્ય કારણોસર આ રાંધણગેસની પાઈપલાઈનમાં લીકેજ થયુ હતુ. આજુબાજુમાંથી પસાર થતાં લોકોને આ બાબતની જાણ થતાં તેઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ લાગતા વળગતા તંત્રને થતાં અધિકારીઓ ઘટના સ્થળે કર્મચારીના કાફલા સાથે દોડી આવ્યા હતા જે જગ્યાએ આ રાંધણ ગેસની પાઈપ લાઈનમાં લીકેજ થયુ હતુ તે જગ્યાનું ખોદકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સમયગાળા દરમ્યાન રાંધણ ગેસનો સપ્લાય ગોદી રોડ તરફના રહેણાંક વિસ્તારોમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ ખોદકામ હાથ ધરી આ લીકેજ થયેલ પાઈપ લાઈનનુ કામકાજ ચાલી રહ્યુ છે.