દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મુકીને વરસ્યાં હતાં. વહેલી સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમયથી વિરામ લીધા બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ ફરી આગમન કરતાં જિલ્લાવાસીઓ સહિત ખેડુત આલમમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ વરસાદને પગલે નીચાળવાળા વિસ્તારો સહિત ઘરોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવોમાં બન્યાં હતાં. ખાસ કરીને દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત ભુગર્ભ ગટર અને પાણીની પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીને પગલે ઠેર ઠેર જાહેર માર્ગાે પર અને સોસાયટી, ગલી મહોલ્લા વિગેરે સ્થળોએ ખાડાઓ ખોદી દેવાતાં વરસાદી માહોલ વચ્ચે કાદવ, કીચડ તેમજ જાહેર માર્ગાે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યાં છે. બપોરના ૨ વાગ્યા સુધીમાં દાહોદ તાલુકામાં કુલ સૌથી વધારે ૨૭ મીમી વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લામાં કુલ ૯૨ મીમી વરસાદા પડ્યો છે.
દાહોદ શહેર સહિત જિલ્લાના ખેડૂત મિત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લગભગ ૧૫ દિવસ પહેલા વસેલ વરસાદ બાદ સતત પંદર દિવસ સુધી મેઘરાજાએ દર્શન ન દેતાં જિલ્લાના ખેડૂતો મિત્રોમાં ચિંતાના વાદળો છવાયા હતા પરંતુ આજે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી પાણી છવાઈ ગયા હતા. દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં વીજળીના કડાકા ધડાકા સાથે અને પવનના ભારે સુસવાટા સાથે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. આજના ધમાકેદાર મેઘરાજાની પધરામણીને પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ખાસ કરીને દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે તેમજ ચાકલિયા રોડ, ગોવિંદ નગર , ઇન્દોર હાઇવે રોડ જેવા વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં હાલ જ્યારે દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે ત્યારે રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડો ખોદી દેવામાં આવ્યા છે. આ ખાડાઓ પણ વરસાદી પાણીથી ભરાઇ જતાં ઠેરઠેર કીચડ કાદવનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું છે જેને પગલે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવર - જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી ત્રાહિમામ્ પોકારી ઉઠેલા દાહોદ શહેર વાસીઓએ ઠંડકનો અનુભવ કર્યો હતો. આજના વરસાદના પગલે સર્વત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
બપોરના ૨ વાગ્યા સુધીના વરસાદના આંકડા નીચે મુજબ છે.
ગરબાડામાં ૫ મીમી
ઝાલોદમાં ૦૮ મીમી
દેવગઢ બારીઆ ૦૦ મીમી
દાહોદ ૨૭ મીમી
ધાનપુરમાં ૦૪ મીમી
ફતેપુરામાં ૦૦ મીમી
લીમખેડામાં ૦૨ મીમી
સંજેલીમાં ૦૬ મીમી
સીંગવડમાં ૦૯ મીમી