દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એસ.બી.આઈ. બેન્કમાં ચોરીના પ્રયાસથી ચકચાર : એકજ માસમાં ઝાલોદની એસ.બી.આઈ. બેન્કમાં બીજી વાર ચોરીનો પ્રયાસ : પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર સવાલો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ એસ.બી.આઈ. બેન્કમાં એક માસમાં બીજી વાર ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગતરોજ ફરીવાર બનેલા ચોરીના પ્રયાસમાં બેન્કના સેફ લોકરને મશીન દ્વારા કાપવાનો પ્રયાસ કરાતાં આ મામલો પોલીસ મથક સુધી પુનઃ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એકજ માસમાં ફરીવાર ઝાલોદની મેઈન બજારમાં આવેલ એસ.બી.આઈ. બેન્કને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. અગાઉ તારીખ ૦૩.૦૮.૨૦૨૧ના રોજ એસ.બી.આઈ. બેન્કના ઓન સાઈડના ભાગે મુકેલ સી.ડી.એમ. મશીનનો આગળનો દરવાજાે વેલ્ડીંગ રોડથી કોડી સેફ લોક તોડવાની ચોરોએ પ્રયાસ કરી અંદાજે ૫૦,૦૦૦નુ નુકસાન પણ કર્યું હોવાની ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બાદ ગઈકાલે ફરીવાર અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બેન્કની બારી તોડી અંદર તસ્કરોએ પ્રવેશ કર્યાેં હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોરોએ બેન્કમાં પ્રવેશ કરી બેન્કમાં મુકી રાખેલ સેફ લોકરને મશીન દ્વારા કાપવાનો પ્રયાસ કર્યાેં હતો બીજી તરફ સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી વાયરો કાપી નાંખ્યાં હોવાનું સામે આવ્યું છે. એક માસમાં આ બેન્કમાં બીજી વાર ચોરીનો પ્રયાસ થતાં પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ મામલે બેન્કના મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.